Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

પત્ની રિવાબાની ભવ્ય જીત થતા રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને અનોખા અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી 

 જાડેજાએ Hello MLA you truly deserve it... લખીને ટ્વિટ કર્યુ: રવિન્દ્રએ પત્ની રિવાબા ઉપર MLA Gujarat લખેલી પ્લેટ રાખેલો પોતાની સાથેનો ફોટો પણ શેર કર્યો

અમદાવાદ :: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ગઈકાલે જાહેર થયા જેમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો પર ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો છે. આ ચૂંટણીમાં ભાજપનાં 14 મહિલા ઉમેદવારે પણ જીત મેળવી છે. જેમાં જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાએ પણ ભવ્ય વિજય હાંસિલ કર્યો છે. પત્નીની જીતને લઈ રવિન્દ્ર જાડેજાએ તેને અનોખા અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી હતી. આ માટે જાડેજાએ Hello MLA you truly deserve it... લખીને ટ્વિટ કર્યું હતું. સાથે જ પ્રજાનો આભાર માની જામનગરનો વિકાસ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

 

Hello MLA you truly deserve it. જામનગરની જનતાનો વિજય થયો છે. તમામ જનતાનો ખુબ ખુબ દીલથી આભાર માનુ છુ. જામનગરનાં કામો ખુબ સારા થાય એવી માં આશાપુરાને વિનંતી. જય માતાજી.. આ સાથે રવિન્દ્રએ પત્ની રિવાબા ઉપર MLA Gujarat લખેલી પ્લેટ રાખેલો પોતાની સાથેનો ફોટો પણ શેર કર્યો છે. જાડેજાનું આ ટ્વિટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપવાની સાથે રિવાબાને તેમની ભવ્ય જીત માટેનાં અભિનંદન પણ આપી રહ્યા છે.

નોંધનીય છે કે, પત્ની રિવાબાને જીતાડવા માટે રવિન્દ્ર જાડેજાએ એડીચોટીનું જોર લગાવ્યુ હતું. ખુદ રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં રેલીઓ કરી પત્ની માટે લોકો પાસેથી મત માંગ્યા હતા. જાડેજાની મહેનત રંગ લાવી છે. અને રિવાબા જાડેજાએ 50,456 મતની લીડથી જામનગર ઉત્તર બેઠક પરથી જીત મેળવી છે. કોંગ્રેસનાં ઉમેદવારને અહીં 22,822 મત મળ્યા હતા. જ્યારે તેના કરતા વધુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશન કરમુરને 33,880 મત મળ્યા હતા. જોકે રિવાબાએ આ બન્નેને સારા એવા માર્જિનથી હરાવી રાજકારણમાં એક મુકામ હાંસિલ કર્યો છે.

(11:13 pm IST)