Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વ્‍યારા બેઠક પર આઝાદી બાદ પહેલી વાર કમળ ખીલ્‍યુઃ કોંગ્રેસનો ગઢ ગણાતા વ્‍યારા બેઠક ભાજપે કબ્‍જે કરી

મોહનભાઇ કોંકણીએ કોંગ્રેસ અને આપના ઉમેદવારને હરાવી કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડયુ

ગાંધીનગરઃ વ્‍યારામાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે સત્તા મેળવી છે. ભાજપે વ્‍યારામાં ખ્રિસ્‍તી ઉમેદવાર મોહનભાઇ કોંકણીને ટિકીટ આપી વ્‍યારાની બેઠક કબ્‍જે કરી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ બેઠકોનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે ભાજપ માટે આ બહુમત કરતા પણ સૌથી મહત્વની જીત વ્યારાની કહી શકાય. કારણ કે, ભાજપે પહેલીવાર વ્યારામા જીતનો સ્વાદ ચાખ્યો છે. આઝાદી બાદ વ્યારામાં ક્યારેય કમળ ખીલ્યુ ન હતું, આ બેઠક કોંગ્રેસ પાસે જ રહી હતી. ત્યારે પહેલીવાર ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી છે. જેનુ શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે. ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાત પર વધુ ફોકસ કર્યુ હતું અને અહીથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે આ મહેનત પીએમ મોદીને ફળી છે. કારણ કે, વ્યારામાં આઝાદી બાદ પહેલીવાર કમળ ખીલ્યું છે. આઝાદી બાદથી અથાગ મહેનત છતાં ભાજપને ક્યારેય વ્યારામાં બહુમત મળી ન હતી. ભાજપ હંમેશાથી વ્યારામાં સત્તાથી દૂર રહી હતી. પરંતું 2022 ની ચૂંટણીમાં પરિવર્તન થયું છે, અને વ્યારામાં ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો છે. 

વ્યારામાં મોહન કોંકણીની જીત 

વ્યારા 171 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર મોહન કોંકણી 22 રાઉન્ડના અંતે 22120 લીડથી જીત્યા છે. ખાસ વાત તો એ છે કે, વ્યારામા કોંગ્રેસના ઉમેદવાર હાંસિયામાં ધકેલાયા છે. આઝાદી બાદ ભાજપે પ્રથમવાર જીત કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. પરંતું વ્યારા બેઠક પર આમ આદમી પાર્ટી બીજા ક્રમે રહી છે. મોહન કોંકણીએ આપના બિપીનચંદ્ર ચૌધરીને હરાવ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યાં છે. 

ભાજપને ખ્રિસ્તી ઉમેદવાર ફળ્યા

20 વર્ષમાં પહેલી વખત ગુજરાતમાં ભાજપે વ્યારાથી ખ્રિસ્તી ઉમેદવાર મોહન કોંકણીને ટિકિટ આપીને મોટો દાવ રમ્યો હતો. ભાજપાએ મોહન કોકણીને આ સીટ પર કોંગ્રેસનાં પુનાજી ગામીતની સામે ઊભા રાખેલ છે. જે આ સીટથી 4 વખત વિધાયક બન્યા હતા. ત્યારે ભાજપને આ દાવ ફળ્યો છે. કારણ કે,મોહન કોંકણીએ પુનાજી ગામીતનો કિલ્લો ધ્વસ્ત કર્યો છે. 

કોંગ્રેસ પાસે હતી આ બેઠક 

વ્યારા વિધાનસભા બેઠક પરથી ભાજપની ચૂંટણી લડવાની વાત કરીએ તો, ભાજપ છેક 1990થી અત્યાર સુધીમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વ્યારા બેઠક પરથી ચૂંટણીનાં મેદાનમાં ઉતારી ચૂક્યું છે. જોકે ભાજપને ગુજરાતમાં 27 વર્ષનાં શાસન બાદ પણ વ્યારા બેઠક પર હજુ સુધી જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી.

2017ની ચૂંટણી-

2017ના વિધાનસભા જંગમાં કોંગ્રેસના પુનાજી ગામીતને કુલ 88,576 મત મળ્યા હતા. જ્યારે, ભાજપના અરવિંદ ચૌધરીને 64,162 મતો મળ્યા હતા. એટલે ભાજપના ઉમેદવાર 24 હજરાથી વધુ મતે હાર્યા હતા.

2012ની ચૂંટણી-

2012માં કોંગ્રેસના પુનાજી ગામીતને કુલ 73,138 મતો મળ્યા હતા. જ્યારે, ભાજપના પ્રતાપભાઈ ગામીતને કુલ 59,582 મતો મળ્યા હતા. 2012માં પુનાજી ગામીત 13,556 મતે જીત્યા હતા.

(5:29 pm IST)