Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં વિશ્વાસ વ્‍યકત કરી સમાજનો દરેક વર્ગ દિલથી ભાજપ સાથેઃ અમિતભાઇ

ઐતિહાસિક જીત બદલ ગુજરાતની જનતાને વંદન સાથે ભુપેન્‍દ્રભાઇ, સી.આર.પાટીલ તેમજ તમામ કાર્યકર્તાઓને શુભેચ્‍છાઓ પાઠવી નાગરિકોનો આભાર વ્‍યકત કરતા ગૃહમંત્રી

અમદાવાદ તા.૯: ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્‍દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં અને ભાજપ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડાની અધ્‍યક્ષતામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ ગુજરાતની જનતાને વંદન સાથે મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ, પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી.આર.પાટીલ તેમજ ગુજરાત ભાજપના તમામ કાર્યકર્તાઓને શુભેચ્‍છાઓ પાઠવી સમગ્ર ગુજરાતના નાગરિકોનો આભાર વ્‍યકત કર્યો હતો.

અમિતભાઇ શાહે ઋણ સ્‍વીકાર સાથે કહયુ હતું કે ગુજરાતની વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં નાગરિકોએ ફરી એક વખત ભાજપને ખોબલે ને ખોબલે મતના માધ્‍યમથી તેમના અપાર સ્‍નેહ અને આશીર્વાદ વરસાવી નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં વિશ્વાસ વ્‍યકત કર્યો છે. ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યુ છે. છેલ્‍લા બે દાયકામાં નરેન્‍દ્રભાઇના નેતૃત્‍વમાં ભાજપાએ ગુજરાતમાં વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્‍યા અને આજે ગુજરાતની જનતાએ ભાજપાને આશીર્વાદ આપી જીતના તમામ રેકોર્ડ તોડી નાખ્‍યા છે.

તેમણે વધુમાં જણાવ્‍યુ હતુ કે નરેન્‍દ્રભાઇના વિકાસ મોડેલમાં જનતાની અતૂટ વિશ્વાસની આ જીત છે. તેઓએ કહયુ કે ગુજરાતે પોકળ વચનો, રેવડી અને તુષ્‍ટીકરણની રાજનીતિ કરનારાઓને ફગાવીને વિકાસ અને જનકલ્‍યાણને ચરિતાર્થ કરવાવાળા નરેન્‍દ્રભાઇ મોદીની નેતૃત્‍વમાં ભાજપાને અભુતપૂર્વ જનાદેશ આપ્‍યો છે. આ પ્રચંડ જીતે બતાવ્‍યુ છે કે સમાજનો દરેક વર્ગ પછી તે મહિલાઓ હોય, યુવાનો હોય કે ખેડુતો હોય દિલથી ભાજપાની સાથે છે.

 અમિત ભાઇએ અંતમાં કહયુ હતું કે આ જીત રાજયના સાડા છ કરોડ ગુજરાતીઓએ છેલ્‍લા બે દાયકાથી ભાજપા પર વરસાવેલ અઢળક આશીર્વાદની, આ જીત ભાજપાની નાગરિકો પ્રત્‍યેની નિષ્‍ઠા, સમર્પિતતા અને જવાબદેહીની

અત્રે ઉલ્‍લેખનીય છે કે શ્રી શાહના ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં પણ તમામ સાતેય વિધાનસભા બેઠકો પર ભાજપની જીત થઇ છે. કોંગ્રેસનો ગઢ ગણાતી ગાંધીનગર ઉતર અને કલોલ સીટ પર પણ ભાજપા ઉમેદવારો વિજેતા બન્‍યા છે. આ ઉપરાંત ઘાટલોડીયા, સાબરમતી અને નારણપુરા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બન્નેના તથા વેજલપુર સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની ડિપોઝીટ પણ સાચવી શકયા નથી તેમ ગાંધીનગર લોકસભા ભાજપ મિડીયા વિભાગની યાદીમાં જણાવાયુ છે.

(4:26 pm IST)