Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

ગુજરાત કોંગ્રેસનો એકપણ ઉમેદવાર રાજયસભામાં નહીં જઈ શકે

વિધાનસભા ચૂંટણીની અસર

નવી દિલ્‍હી,તા. ૯ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ત્‍યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસને ૭૭ બેઠક મળી હતી તો આ વખતે માત્ર ૧૭ જ સીટ મેળવી શકી છે. એમ કહી શકાય કે, કોંગ્રેસ માટે આ બહુ કારમી હાર છે. તેટલું જ નહીં, આગામી સમયમાં રાજયસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. તેમાં પણ કોંગ્રેસને જોરદાર ફટકો પડ્‍યો છે.

રાજયસભા કાયમી ગૃહ છે, પરંતુ તેના સભ્‍યો કાયમી નથી હોતા. રાજયસભાના ત્રીજા ભાગના સાંસદો દર બે વરસે બદલાય છે. દરેક સાંસદ છ વરસની મુદ્દત ભોગવે છે. આ ચૂંટણીમાં લોકો મત આપી શકતા નથી પણ દરેક રાજયની વિધાનસભાના સભ્‍યો જ મત આપી શકે છે, તેથી ચૂંટણીનાં પરિણામ અંગે પાક્કી આગાહી કરી શકાય છે. ધારાસભ્‍યો પોતપોતાના પક્ષના આદેશ પ્રમાણ મત આપે પણ કાયદેસર રીતે ગમે તેને મત આપી શકે છે. મહત્ત્વનું છે કે, રાજયસભામાં જવા માટે વિધાનસભાના સભ્‍યોના મત મહત્ત્વના છે. ત્‍યારે ભાજપ પાસે હાલ ૧૮૨માંથી ૧૫૬ મત છે. કોંગ્રેસ પાસે ૧૭ તો આમ આદમી પાર્ટી ૫ મત છે. જયારે અન્‍ય પાર્ટી સહિત અપક્ષના કુલ ૪ મત છે. ઉલ્લેખનીય છે કે, આવી પરિસ્‍થિતિ વચ્‍ચે કોંગ્રેસનો એકપણ ઉમેદવાર રાજયસભામાં નહીં જઈ શકે.

ગુજરાતમાં આગામી રાજયસભા ચૂંટણી ક્‍યારે?

  •  ઓગસ્‍ટ, ૨૦૨૩ - ૩ બેઠક માટે ચૂંટણી
  •  એપ્રિલ, ૨૦૨૪ - ૪ બેઠક માટે ચૂંટણી
  •  જૂન, ૨૦૨૬ - ૪ બેઠક માટે ચૂંટણી
(10:43 am IST)