Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

નોંધારાનો આધાર પ્રોજેકટ બાબતે વહીવટીતંત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  નર્મદા કલેકટર ડી.એ.શાહે રાજયમાં સૌ પ્રથમ નર્મદા જિલ્લામાં "નોંધારાનો આધાર" પ્રોજેકટ લોન્ચ કર્યો.આ પ્રોજેકટ અંતર્ગત ગરીબ, જરૂરિયાતમંદ વ્યક્તિને જીવન જરૂરિયાતની સાધન સામગ્રી નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવે છે.જે યુવાન છે કામ કરવામાં સક્ષમ છે એવા લોકોને રોજગારી પણ આપવામાં આવે છે, સરકારની વિવિધલક્ષી યોજનાઓનો લાભ પણ અપાવવામાં આવે છે .ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આની નોંધ લઈ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રોજેક્ટ શરૂ કરવા જણાવ્યું હતું.કોઈ પણ વ્યક્તિ ગરીબ ન રહે તથા ભૂખ્યો ન સુવે એવા આશયથી નર્મદા કલેકટર ડી.એ.શાહે આ પ્રોજેકટ શરૂ કર્યો છે,

બીજી બાજુ નર્મદા કલેક્ટરના માનવતાભર્યા આ કાર્યને લીધે વિઘ્નસંતોષીના પેટમાં દુખ્યું છે.માટે આ પ્રોજેક્ટ અને નર્મદા જિલ્લા વહીવટીતંત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવી રાજપીપળા નગરપાલિકા ભાજપ સભ્યો અને શહેરના શિક્ષિત નાગરિકોની જાણ બહાર એમના નામનો ખોટી રીતે ઉપયોગ કરી દેશના વડા પ્રધાન મોદીને અરજી કરતા ખળભળાટ મચ્યો છે.

રાજપીપળા નગરપાલિકા સભ્ય વોર્ડ 4 ના સભ્ય ગિરિરાજસિંહ ખેર, આશિષ ડબગર તથા નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ ખજાનચી રાજુભાઇ પરમાર અને કલ્પેશ ઠાકરે પોતાની જાણ બહાર નોંધારાના આધાર પ્રોજેકટ અંતર્ગત નર્મદા કલેકટર વિરુદ્ધ પોતાનો ખોટી રીતે ઉપયોગ કરી ખોટી અરજી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.તો બીજી બાજુ આ અરજી કોણે કરી છે, ક્યારે કરી છે, શુ કરવા શહેર ભાજપના જાણીતા લોકોના નામનો ખોટો સહારો લેવો પડ્યો એ મુદ્દે નર્મદા જિલ્લા સેવા સદનના સી.સી.ટી.વી કેમેરા ચેક થાય તો જ તથ્ય બહાર આવે એમ છે.
"નોંધારાના આધાર પ્રોજેકટ" વિરુદ્ધ ખોટી સહીઓ કરી ક્યા ગંભીર આક્ષેપો લગાવાયા છે?
દેશના વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ તથા મહામંત્રી પ્રદીપ સિંહ વાઘેલાને કરાયેલી અરજીમાં જણાવ્યું છે કે ભાજપના ખભે બંદૂક મૂકી નર્મદા કલેક્ટર પ્રમોશન મેળવવા આ પરિજેક્ટ ચલાવી રહ્યા છે, આ પ્રોજેક્ટના વેબ સાઇટ પર ભાજપ સભ્યોની નામ, સરનામાં સાથેની યાદી કેમ અપલોડ કરાઈ નથી.આ યોજના પાછળ 7 કરોડનો ખર્ચ કર્યો છે પણ હકીકતમાં 133 લોકો પૌકી માંડ 8 કે 10 લોકોને કીટ વિતરણ કરી 133 ને વિતરણ કરી હોવાના મીડિયામાં એહવાલ પ્રસિદ્ધ કરાય છે સહિત અનેક ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
શુ કહે છે જેમના નામનો ખોટો ઉપયોગ કરાયો છે એ નાગરિકો?
આ મામલે રાજપીપળા નગરપાલિકા સભ્ય વોર્ડ 4ના સભ્ય ગિરિરાજસિંહ ખેર,આશિષ ડબગર તથા નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ ખજાનચી રાજુભાઇ પરમાર અને કલ્પેશ ઠાકરે આ ખોટી અરજી વિરુદ્ધ પી.એમ મોદીને પોતાનો લેખિત ખુલાસો પણ રજૂ કર્યો છે.એમણે જણાવ્યું છે કે ભાજપ સરકારની "અંત્યોદય" ની શંકલ્પના ઉપર અમને પૂરો વિશ્વાસ છે, અમારું સમર્થન પણ છે.અમારા ખભાનો દૂર ઉપયોગ કરી અમારી જાણ બહાર ખોટી અને ફેક સહી કરી ભાજપ કાર્યકરને સરકારમાં બદનામ કરવાનો આ હીન પ્રયાસ છે.નર્મદા કલેકટર જેવા સક્ષમ અધિકારી આ ખૂબ સારુ કાર્ય કરે છે.આ અરજી કરનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.

(10:54 pm IST)