Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઝૂંડા ગામ નજીક નિર્ભયા સકોર્ડમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક બહેનોને અકસ્માતમાં થતા એકનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સરાહનીય કામગીરી કરી શાળા,કોલેજમાં અભ્યાસ કરતી મહિલા, દીકરીઓની સલામતી માટે સતત તત્પર રહી ફરજ બજાવતી નિર્ભયા સકોર્ડની બહેનોની કામગીરી બાબતે અનેક સન્માન પણ મળ્યા છે ત્યારે આજે આ પૈકી એક લોકરક્ષક મહિલા કર્મચારીનું અકસ્માત બાદ મોત થતા પોલીસ વિભાગમાં ગમગીની જોવા મળી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિર્ભયા સકોર્ડની બહેનો આખા નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા હોય આજરોજ તારીખ 9.ડિસેમ્બરના બપોરે નિર્ભયાના ત્રણ લોકરક્ષક મહિલાઓ પોતાની સરકારી બાઇકો પર ફરજ પુરી કરી પરત આવતી હતી ત્યારે ઝૂંડા ગામ નજીક આવેલી શ્રદ્ધા સબુરી હોટલ પાસે એક બાદ એક ત્રણેયની એક્ટિવા ગાડી સ્લીપ થતા ત્રણેય બહેનોને ઇજા થઇ હતી પરંતુ આ ઘટનામાં મહિલા લોકરક્ષક વર્ષાબેન ગૌસ્વામીને ગંભીર ઇજા થતાં રાજપીપળા સિવિલ બાદ વડોદરા સારવાર અર્થે લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે આ ઘટના બાબતે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

(10:51 pm IST)