Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

જન્મદિવસે જ માતમ: બર્થ ડે ઉજવવા નિકળેલ બે મિત્રોના રોડ અકસ્માતમાં કરૂણમોત ત્રીજો મિત્ર ગંભીર

વડોદરા પાટિયા પાસે ડમ્પરે એક્ટિવાને જોરથી ટક્કર મારતા હવામાં ફગોળાઈ જમીન પર પટકાયા

વડોદરા પાટિયા પાસે ગત રાત્રિના રોજ જન્મદિવસની ઉજવણી કરવા માટે જવા નિકળ્યા હતા. તે વેળા આ ત્રણ યુવાનોની એક્ટિવાને ડમ્પર ચાલકે પાછળથી અડફેટે લેતા ત્રણમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જ્યારે એકનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તો ત્રીજા મિત્રની હાલ ગંભીર હાલત જોવા મળી રહી છે. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લાના દહેગામની અમીન વાડોમાં રહેતા 23 વર્ષીય મયૂર સુધીરભાઈ ઠાકોરે ફરિયાદ દાખલ કરાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે, ગઈકાલે 8 ડિસેમ્બરના રોજ તેના મિત્ર મયૂર મોહનભાઈ લાખાણીનો જન્મદિવસ હોવાથી રાત્રિના સમયે તેના બીજા મિત્ર નીલ ગૌતમભાઈ અમીન એમ ત્રણેય મિત્ર એક્ટિવા પર અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. રાત્રિના સાડા આઠેક વાગ્યાના અરસામાં દહેગામ-નરોડા હાઇવે રોડ વડોદરા પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા. એક્ટિવા મયૂર લાખાણી ચલાવતો હતો. આ દરમિયાન લીલારાવ પાર્ટી પ્લોટ સામે ડમ્પર ટ્રક (GJ-07-YZ-7018)ના ચાલકે પોતાની ટ્રક ગફલતભરી અને પૂરપાટ ઝડપે હંકારી પાછળથી એક્ટિવાને ટક્કર મારી હતી.

પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે આગળ ચાલી રહેલ એક્ટિવાને જોરથી ટક્કર મારતા તેઓ હવામાં ફગોળાઈ જમીન પર પટકાયા હતા. જમીન પર પટકાતા જ એક મિત્રનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું અને બીજા બેની હાલત ગંભીર હોવાના કારણે તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા એકનું મોત થયું છે તો ત્રીજા મિત્રની હાલત ગંભીર છે. મયૂરનો જન્મદિવસ જ મોતનો દિવસ સાબિત થતાં પરિવારજનો પર આભ તૂટી પડયું હતું.

(8:35 pm IST)