Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વડોદરા: જોડિયા બાળકોને લઇ પત્ની પાડોશી સાથે ફરાર થઇ જતા પતિએ પોલીસનો સહારો લીધો

વડોદરા: પત્ની બે જોડિયા બાળકો લઈ પાડોશી નાઈ સાથે ફરાર થઇ જવાની ઘટના સામે આવી છે. પતિએ બાપોદ પોલીસ મથકે પત્ની અને બાળકોના ગુમની ફરિયાદ આપી હોવા છતાં પોલીસે યોગ્ય સહકાર ન આપતા આક્ષેપ સાથે પતિએ સીસીટીવી  ફૂટેજ ચકાસતા અન્ય વ્યક્તિઓની પણ સંડોવણી બહાર આવવાની સાથે સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો હતો. પતિએ આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.

વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક નારાયણ ધામ સોસાયટીમાં રહેતા મહેશ નિકમના લગ્ન વર્ષ 2016 દરમિયાન સમાજના રીતરિવાજ મુજબ દીપિકા ( નામ બદલ્યું છે ) સાથે થયા હતા. તેમનો પાડોશી અને ઘર નજીક જ વાળ કાપવાની દુકાન ધરાવતો તુષાદ દિનેશભાઈ રાવળ અવારનવાર તેમની પત્નીને ઈશારા કરતો હતો. જેથી મહેશભાઈએ તુષાદ તથા પત્ની દીપિકાને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન 26 નવેમ્બરના રોજ પત્ની બે જોડીયા બાળકો સાથે ગુમ થઈ જતા પતિએ બાપોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસ તપાસમાં સહકાર ન આપતી હોવાના આક્ષેપ સાથે પતિએ જાતે તપાસ આરંભી હતી. અને સીસીટીવી ફુટેજમાં રીક્ષા મંગાવી તેમની પત્ની અને જોડિયા બાળકોના અપહરણ મામલે વરૂણ સોલંકી ( રહે -જુનીગઢી), કરણ રાજપુત  (રહે ; કિશનવાડી ) ,જ્યોતિ રાવળ ( રહે - વારસિયા)  અને કૃષ્ણ રાવળ ( રહે - ખોડીયાર નગર) ની મદદગારી સામે આવી હતી. આમ તેમની પત્નીને લોભ લાલચ આપી જોડિયા બાળકો સાથે અપહરણ કર્યું હતું. પત્ની તેની સાથે ચાર તોલા સોનાના દાગીના પણ લઈ ગઈ છે.

(5:28 pm IST)