Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

કલોલ તાલુકાના સાંતેજ ગામે સ્મશાનના હેડની જગ્યા પરના પાકા દબાણો તોડી પાડવા તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપવામાં આવ્યો

કલોલ:તાલુકાના સાંતેજ ગામે સ્મશાનના હેડની જગ્યા પરના પાકા દબાણને તોડી પાડવા માટે તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતમાં અને સ્થાનિક રાજકારણમાં ચર્ચાસ્પદ બની ચૂકેલા આ કિસ્સામાં વિવાદનું કેન્દ્ર બનેલા શોપિંગ સેન્ટર સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પદ્દાધિકારી પણ સંકળાયેલા હોવાથી મામલો વધુ ગરમાયેલો છે. દરમિયાન આ જગ્યામાં આવેલા રહેણાંક હેતુના ત્રણ દબાણને હટાવવા સામે અપિલ સમિતિ દ્વારા મનાઇ હુકમ આપવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળે છે. હવે આ વિવાદાસ્પદ બનેલા મામલે તાલુકા પંચાયતના તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે જોવાનું રહે છે.

જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં સાંતેજના સ્મશાન હેડ પરની જમીન પર તાણી બાંધવામાં આવેલા વાણિજ્ય હેતુના અને રહેણાંક હેતુના દબાણોનો મામલો લાંબા સમયથી ચાલી રહ્યો છે. ઉપરોક્ત જમીન પૈકીની કેટલીક જમીન રાજ્યના ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડને પણ ફાળવવામાં આવેલી છે અને મહેસાણા કલેક્ટરને પણ આ પૈકીની જમીનની ફાળવણી કરવામાં આવી હોવાની વાત છે, પરંતુ તે વાતના કોઇ બોલતા પુરાવા નથી. સરવાળે સ્થિતિ એવી છે કે જમીન વિવાદમાં ઘેરાઇ ચૂકી હોવાથી તેના પર વિવિધ દબાણો ખડકાઇ ગયા હતાં. પરંતુ સરકારી કાગળ તો સો વર્ષે પણ બોલે તે ઉક્તિની જેમ ફરિયાદો અને રજૂઆતોને પગલે દબાણનો મામલો સરકારી તંત્ર દ્વારા હાથ પર લેવામાં આવ્યો હતો. આખરે લાંબા સમયના વિવાદ અને તપાસોના અંતે જિલ્લા કલેક્ટર દ્વારા આ સરકારી જમીન પરના શોપિંગ સેન્ટરને ગેરકાયદે હોવાનું ઠરાવીને તોડી પાડવાનો આદેશ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવ્યો છે. જોકે આ જમીન પરના જ રહેણાંક હેતુના ૩ દબાણને હટાવવા સામે જે તે સમયે અપિલ સમિતિ દ્વારા મનાઇ હુકમ આપવામાં આવેલો હોવાથી ન્યાયી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને ખસેડવા મુદ્દે કોઇ આદેશ થયો નથી.

(5:22 pm IST)