Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ગાંધીનગર: નિવૃત ઇજનેરને સારા વળતરની લાલચ આપી 80 લાખનો ચૂનો લગાવનાર વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર : હાલમાં ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના સે-ર૬ કિસાનનગરમાં રહેતા નિવૃત ઈજનેરને એક વર્ષ અગાઉ મોબાઈલ મારફતે ગઠીયાઓએ સંપર્ક કરીને ગેલેકસી એન્ટરપ્રાઈઝ ટ્રેડીંગ કંપનીમાં રોકાણ અને સારા વળતરની લાલચ આપી ૮૦.૮૫ લાખનો ચૂનો ચોપડયાની ઘટના પ્રકાશમાં આવી છે.  વૃધ્ધને છેવટે છેતરાયાનો અહેસાસ થતાં તેમણે ગાંધીનગર સાયબર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. સોશ્યલ મીડીયામાં આવતી બોગસ લીંક થકી રોકાણ નહી કરવા પોલીસની અપીલ છતાં શિક્ષિત લોકો પણ તેમાં ભરમાઈને છેતરપીંડીનો ભોગ બનતાં હોય છે ત્યારે ગાંધીનગરના સે-ર૬ કિસાનનગરમાં પ્લોટ નં.૬૨૫/રમાં રહેતાં અને સચિવાલયના સિંચાઈ વિભાગમાં અધિક મદદનીશ ઈજનેર તરીકે નિવૃત થયેલા સુભાષચંદ્ર અંબાલાલ પટેલ આ પ્રકારની છેતરપીંડીનો ભોગ બન્યા છે. ગત તા.૧૭ ઓકટોબર ર૦૨૦ના રોજ તેમના મોબાઈલ ઉપર ગેલેકસી એફએકસ ટ્રેડ નામથી ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે વોટસએપ મેસેજ આવ્યો હતો અને તે વાંચ્યા બાદ તેમાં મુકેલી લીંક પણ ખોલી હતી. જેના પગલે સંજય પટેલ નામના વ્યક્તિએ સંપર્ક કરીને આ ટ્રેડીંગ કરવા જણાવ્યું હતું. જેમાં સારું વળતર મળશે તેવી લાલચ આપીને કંપનીના લાયસન્સ પણ મોકલી આપ્યા હતા. ત્યારબાદ ટ્રેડીંગ કંપનીના સીનીયર અધિકારી આશિષ જૈને પણ અવારનવાર સંપર્ક કરીને રોકાણ કરવાની લાલચ આપતાં રહયા હતા.જેથી સુભાષભાઈએ શરૃઆતમાં ત્રણ હજાર ડોલર એટલે કે ર.ર૩ લાખ રૃપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ સંજય પટેલે કહયું હતું કે મહિલાના નામથી ટ્રેડીંગ કરશો તો વધુ લાખ મળશે. જેથી સુભાષભાઈએ તેમની પત્નિના નામે એકાઉન્ટ ખોલી ૧૩ લાખ રૃપિયા પરફેકટ એન્ટરપ્રાઈઝમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. જો કે આ ટ્રેડીંગમાં નફો થતો હોવાનું જણાતાં સુભાષભાઈએ રૃપિયા ઉપાડવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નહીં ઉપડતાં સંજય પટેલે ૧૦૦ ડોલર ટ્રાન્સફર કર્યાનો સ્ક્રીનશોટ મોકલી આપ્યો હતો. કંપની તરફથી મહિલાને એક કરોડની વીમા પોલીસી મળતી હોવાની લાલચ આપવામાં આવી હતી. જેથી સુભાષભાઈએ મેડીકલ પણ કરાવ્યું અને ત્યારબાદ આ ગઠીયાઓએ તમારી પોલીસી ઈન્સ્યોરન્સ કંપનીએ નકારી હોવાનું જણાવ્યું હતું. છેલ્લે સુભાષભાઈએ નફો સારો થતો હોવાનું જણાતાં ટ્રેડીંગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે પેટે પ૦ ટકા રકમ ભરવાનું આ ગઠીયાઓ દ્વારા કહેવાતા ૧૯ લાખ રૃપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા. જો કે રૃપિયા નહીં મળતાં તેમણે વેબસાઈટ ચેક કરતાં તે બંધ થઈ ગઈ હતી અને તેમને છેતરાયાનો અહેસાસ થયો હતો. જેથી આ મામલે ગાંધીનગર સાયબર ક્રાઈમમાં ફરીયાદ આપતાં પોલીસે આશિષ જૈન અને સંજય પટેલ વિરૃધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:21 pm IST)