Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

સુરતના અમરોલી વિસ્‍તારમાં 2 મહિના પહેલા સન્‍ની શર્માની હત્‍યા કરનાર મુકેશ ઉર્ફે છોટી ગાયકવાડ અને સાગર દંતાણીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચના હાથે ધરપકડ

આરોપીઓના ગુન્‍હાહિત ઇતિહાસ અંગે પોલીસ દ્વારા તપાસ

અમદાવાદ: સુરતના અમરોલીમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકની થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. સામાન્ય બાબતે ઉગ્ર સ્વરુપ ધારણ કરતા આ હત્યાની ઘટના બની હોવાનું ખુલ્યું. જોકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે યુવકોની ધરપકડ કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુકેશ ઉર્ફે છોટી ગાયકવાડ અને સાગર દંતાણીના આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને ઇસમોમાંથી મુકેશ ગાયકવાડ સુરતનો રહેવાસી છે જ્યારે સાગર અમદાવાદના સરસપુરનો રહેવાસી છે. સુરતના અમરોલી વિસ્તારમાં બે મહિના પહેલા સન્ની શર્મા નામના યુવકનો આરોપીઓએ હત્યા કરી હતી. બે મહિનાથી નાસતા ફરતા આરોપીઓ અમદાવાદમાં હોવાની માહિતીની આધારે ક્રાઈમ બ્રાન્ચે બન્નેને ઝડપી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસે આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગત 26 સપ્ટેમ્બરના રોજ અમરોલી વિસ્તારમાં છાપરા ભાઠા ખાતે તાપીના પાળા પર ખુલ્લી જગ્યામાં બંને આરોપીઓ દારૂ પિતા હતા.તે સમયે મૃતક સન્ની શર્મા ત્યાં આવ્યો હતો અને દારૂ પીવાની ના પાડતા બોલાચાલી અને ગાળાગાળી થતા મુકેશ ગાયકવાડે છરીથી યુવકની હત્યાને અંજામ આપ્યો હતો.બંને ઈસમો હત્યા કર્યા બાદ અમદાવાદમાં આવી ગયા હતા અને છૂટક મજૂરી કરતા હતા.

બંને ઈસમોએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે બંને યુવકોની ધરપકડ કરી તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને અમરોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આરોપીનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરાશે.

(4:14 pm IST)