Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વલસાડના પારનેરાપારડી ગામે લગ્ન પ્રસંગના મામેરાની વિધી દરમિયાન તસ્‍કરો ત્રાટક્‍યાઃ અંદાજીત 40 તોલા સોનુ અને 15 થી 20 હજારની રોકડની ઉઠાંતરી

ડુપ્‍લીકેટ ચાવીથી રૂમ ખોલીને તસ્‍કરે ચોરી કરીઃ જાણભેદુ હોવાની આશંકા

વલસાડ: વલસાડના પારનેરાપારડી ગામે લગ્ન પ્રસંગમાં મામેરાની વિધિ દરમિયાન મોટી ચોરી થવાની ઘટના બની છે. અજાણ્યા ઈસમે લગ્નના ઘરમાં હાથ સફાયો કર્યો હતો. લગ્ન ઘરમાંથી અંદાજિત 40 તોલા સોનુ અને 15  થી 20 હજાર રોકડા રૂપિયાની ચોરી થઈ છે. લગ્ન પ્રસગમાં પરિવાર અને મહેમાનો હતા વ્યસ્ત તે દરમિયાન ચોરી થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના પારનેરા ગામે આ ચોરીની ઘટના બની હતી. ગામના નીતિનભાઈ રણછોડભાઈ પટેલના ઘરે લગ્ન લેવાયા હતા. લગ્ન પારડીના રાધાકૃષ્ણ મંદિર પરિસરમાં લેવાયા હતા. પરિવાર મામેરાની વિધિમાં વ્યવસ્ત હતો, ત્યારે ચોરીની ઘટના બની હતી. પરિવાર મામેરાની વિધિ પતાવી રૂમમાં પરત ફર્યો ત્યારે આખી તિજોરી વિખેરાયેલી હતી. પરિવારના સદસ્યોએ તપાસ કર્યુ તો તિજોરીમાંથી 40 તોલા સોનુ ગાયબ હતું. તેમજ પાકીટમાં મૂકેલા 15 હજાર રૂપિયા પણ ગાયબ હતા.

એક તરફ લગ્નને કારણે ઘરની બહાર માંડવો બંધાયો હતો, ત્યાં જ ચોરી થતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સે બંગલામાં ઘૂસીને રૂમના કબાટને ડુપ્લીકેટ ચાવીથી ખોલ્યું હતું અને તેમાંના સામાનની ચોરી કરી હતી. લગ્ન ઘર હોવાથી કબાટમાં કિંમતી ચીજો હશે તેવો અંદાજ પહેલેથી જ ચોરોને હતો, જેથી તેમણે ત્યાં જ હાથ સફાયો કર્યો હતો.

ઘરમાંથી કબાટ ખોલી ઘરેણાંની ચોરી થતા જ વલસાડ રૂરલ પોલીસ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. જોકે, સમગ્ર મામલે કોઈ ઘરનો જ જાણભેદુ ચોરીમાં સંકળાયેલો હોય તેવુ લાગી રહ્યું છે. પોલીસે લગ્નમાં આવેલા જાનૈયાઓ તથા મહેમાનોની પૂછપરછ હાથ ધરી હતી. 

(4:12 pm IST)