Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

૧૦૦ રૂપિયા કિલોએ પહોંચ્યો ટામેટાનો ભાવ : વધેલા ભાવથી રેસ્ટોરાંના માલિકો પણ પરેશાન

ગુજરાતમાં ઓછો પુરવઠો હોવાથી કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાની ખરીદી : કમોસમી વરસાદના લીધે કડી, મહેસાણા, કલોલ અને ગાંધીનગરમાં ટામેટાના પાકને નુકસાન

અમદાવાદ તા. ૯ : શિયાળામાં આમ તો ટામેટા, ડુંગળ તેમજ અન્ય લીલા શાકભાજીના ભાવ સાવ ઓછા હોય છે. જો કે, આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં ટામેટાના ભાવ એટલા વધી ગયા છે કે, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ઓછામાં ઓછા એક મહિનાથી રિટેલ માર્કેટમાં એક કિલો ટામેટાનો ભાવ ૮૦ રૂપિયા છે અને શહેરના અમુક વિસ્તારોમાં ભાવ વધીને ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.

'કમોસમી વરસાદ અને ગુજરાતમાં પુરવઠો ઓછો હોવાના કારણે કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી ટામેટાની ખરીદી કરવાની ફરજ પડી છે. આ રાજયોમાં પણ તાજેતરમાં ચક્રવાતની સ્થિતિના કારણે ભારે વરસાદ થયો હતો. જેના પરિણામે પાક નિષ્ફળ ગયો હતો. તેથી, આ પ્રદેશોમાં પણ ટામેટાંના ભાવમાં ધરખમ વધારો થયો છે. વધુ માગ અને ઓછા પુરવઠાના કારણે એકંદરે ભાવ વધ્યા છે', તેમ અમદાવાદ એપીએમસીના સેક્રેટરી દીપક પટેલે જણાવ્યું હતું.

સમગ્ર અમદાવાદમાં ટામેટાના વધેલા ભાવથી રેસ્ટોરાંના માલિકો પણ પરેશાન છે. કારણ કે, કરી, ગ્રેવી, સૂપ, સલાડ તેમજ ભારતીય સિવાય ઈન્ટરનેશનલ એમ બંને પ્રકારની વાનગીઓ બનાવવા માટે ટામેટાં એ મુખ્ય સામગ્રી છે.

ગુજરાતમાં કડી, મહેસાણા, કલોલ અને ગાંધીનગર ટામેટાના ઉત્પાદન માટેના હબ છે, જયાં કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું હતું. 'બે અઠવાડિયા બાદ ભાવ સ્થિર થવાની શકયતા છે, જયારે તાજી લલણી બજારમાં આવવાનું શરૂ થશે', તેમ પટેલે ઉમેર્યું હતું.

માત્ર ટામેટા જ મોંઘા છે તેવું નથી. અન્ય શાકભાજીની છૂટક કિંમત પણ હાલમાં ૧૦૦થી ૧૨૦ની વચ્ચે છે. હાલમાં પડેલા કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે વાલોળ, લીલું લસણ, લીલી ડુંગળી ઉપરાંત શક્કરિયાં અને રતાળુ સહિતના સીઝનલ લીલા શાકભાજી મોંઘા થઈ ગયા છે. મોટાભાગના કિસ્સાઓમાં છૂટક લીલા શાકભાજીના ભાવ હોલસેલ ભાવ કરતાં લગભગ બમણા છે.

(11:48 am IST)