Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગુજરાત બાર કાઉન્સીલનો મોટો નિર્ણંય : વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવા માટે મુદતમાં વધારો

સભ્ય ધારાશાસ્ત્રી વેલ્ફેર ફંડની ત્રીજા ગાળાની રિન્યુઅલ ફી તા. 31 ડિસેમ્બર સુધી ભરી શકશે

અમદાવાદ : કોરોનાના કારણે હાલ કોર્ટોનું કામકાજ નિયમિત શરૂ થયું ન હોવાના કારણે ધારાશાસ્ત્રીઓની મુશ્કેલી તથા સભ્યો તરફથી કરાયેલી રજૂઆતને ધ્યાનમાં લઇને ગુજરાત બાર કાઉન્સીલની સામાન્ય સભામાં વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવા માટેની મુદતમાં વધારો કરાયો છે, હવે સભ્ય ધારાશાસ્ત્રીને વેલ્ફેર ફંડની ત્રીજા ગાળાની રિન્યુઅલ ફી તા. 31 ડિસેમ્બર સુધી ભરવાની રહેશે.

આ ઉપરાંત આ બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, વેલ્ફેર ફંડની અગાઉના વર્ષોની રિન્યુઅલ ફી ન ભરનારા ધારાશાસ્ત્રીઓને વર્તમાનપત્રમાં નોટીસ આપી વેબસાઇટ પર એવા ધારાશાસ્ત્રી સભ્યોના નામે જાહેર કરી તેમને ખુલાસા સાથે 30 દિવસમાં વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરવાની તક આપવામાં આવશે. જે સભ્ય ધારાશાસ્ત્રીએ અગાઉના વર્ષોની રિન્યુઅલ ફી તેમ જ વર્તમાન સમયની રિન્યુઅલ ફી ભરવામાં નિષ્ફળ જશે તો તેવા ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર ફંડનું સભ્યપદ રદ કરવામાં આવશે.

 

ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન કિરીટ બારોટ, વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહીલ તથા એકઝીકયુટીવ કમિટીના ચેરમેન ભરત ભગતે જણાવ્યું છે કે, ગુજરાત બાર કાઉન્સીલના ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેટળ ગુજરાતમાં મુત્યુ પામનારા વેલ્ફેર ફંડના સભ્યપદ ધરાવનારા ધારાશાસ્ત્રીઓના વારસદારોને 3,50,000 મુત્યુ સહાય ચુકવવામાં આવે છે. તે માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ધારાશાસ્ત્રીએ વેલ્ફેર ફંડનું સભ્યપદ ધારણ કરવું ફરજિયાત છે. તેમ જ વેલ્ફેર ફંડની નિયત કરેલી રિન્યુઅલ ફી ભરવાની ફરજિયાત છે. જે ધારાશાસ્ત્રીઓ વેલ્ફેર ફંડનું સભ્યપદ ધારણ કર્યું ન હોય તેમ જ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી નિયમિત ભરતા ન હોય તેવા ધારાશાસ્ત્રીઓના મુત્યુ બાદ તેમના વારસદારો મુત્યુસહાય મેળવવા હક્કદાર નથી.

ગુજરાતમાં 43,000 ધારાશાસ્ત્રીઓએ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એક્ટ હેઠળ વેલ્ફેર ફંડનું સભ્યપદ ધારણ કર્યું છે. અને વર્તમાન સમયામાં 1/9/20થી ત્રીજા વાર્ષિક ગાળા માટે એકથી પાંચ વર્ષ સધીના જુનીયર ધારાશાસ્ત્રીઓ માટે રૂપિયા 500 તેમ જ પાંચ વર્ષથી વધુ સમયથી પ્રેકટીસ કરતા ધારાશાસ્ત્રીઓ માટે રૂપિયા 1500 રીન્યુઅલ ફી ભરવા માટે તા. 30/11/20 સુધી નક્કી કરવામાં આવી હતી. પરંતુ વર્તમાન સમયમાં કોરોનાની મહામારીના કારણે કોર્ટનું કામકાજ નિયમિત શરૂ થયું ન હોવાના કારણે તથા સભ્યોની રજૂઆતને ધ્યાનમાં લઇને આ મુદતમાં એક મહિનો વધારવામાં આવ્યો છે

આજની સભામાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના સભ્યો અનિલ કેલ્લાં, દિપેન દવે, અનિરુધ્ધસીંહ ઝાલા, ગુલાબખાન પઠાણ, પરેશ જાની સહિતના સભ્યોએ હાજર રહીને ચર્ચામાં ભાગ લીધો હતો

છેલ્લાં બે વર્ષમાં 42 હજાર ધારાશાસ્ત્રીઓએ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ભરી નથી. તેમાંથી 2018માં આશરે 18,000 જેટલાં ધારાશાસ્ત્રીઓએ અને સને 2019માં 24,000 જેટલા ધારાશાસ્ત્રીઓએ વેલ્ફેર ફંડની રિન્યુઅલ ફી ન ભરતા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની વેલ્ફેર ફંડની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

(9:24 pm IST)