Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

અમદાવાદમાં ચોર ટોળકીએ જ્વેલર્સના વેપારીની નજર ચૂકવીદાગીના ભરેલી બેગ લીફટીગ કરી ફરાર

નરોડા પોલીસે CCTVને આધારે ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી : બેગમાં હતા સોનાના દાગીના, રોકડ અને મહત્વના દસ્તાવેજ સહિત રૂ 12.36 લાખ

અમદાવાદ તા.09 : અમદાવાદમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે. અવાર-નવાર ચોરી લૂટફાટનાં બનાવો સામે આવતા હોય છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાંથી ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ચોર ટોળકીએ જ્વેલર્સના વેપારીની નજર ચૂકવી રોકડ અને દાગીના ભરેલી બેગ લીફટીગ કરી ફરાર થઈ ગયા. નરોડા પોલીસે CCTVને આધારે ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે.

શહેરના નરોડા વિસ્તારમાં રાત્રિના સમયે ખોડીયાર જ્વેલરીમાં દુકાન માલિકની નજર ચૂકવી રોકડ અને ઘરેણાં ભરેલા બેગની ઉઠાંતરી કરવાની ઘટના બની હતી. વેપારીએ નરોડા પોલીસને જાણ કરતા પોલીસે વેપારની ફરિયાદને આધારે સીસીટીવી ની મદદથી ચોર ટોળકી ની શોધખોળ હાથ ધરી છે.

CCTV ફૂટેજના દ્રશ્યોમાં જવેલર્સનો માલીક ગ્રાહક સમજીને વાત કરી રહ્યો હતો અને ચોર સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઇ ગયો. નરોડામાં આવેલા ખોડિયાર જવેલર્સના માલિક મહેશભાઈ વ્યાસ દુકાનમાં બેઠા હતા તેઓ દુકાન બંધ કરી રહ્યા હતા ત્યારે એક યુવકે ખરીદી કરવાના બહાને દુકાનનો દરવાજો ખોલ્યો અને વેપારીને વાતો કરાવીને નજર ચૂકવીને બેગ ઝૂંટવી ફરાર થઇ ગયો. બેગમાં સોનાના દાગીના, રોકડ અને મહત્વના દસ્તાવેજ સહિત રૂ 12.36 લાખની ચોરી કરી.

મહત્વનું છે કે ખોડિયાર જવેલર્સમાં છેલ્લા 15 દિવસથી મોંઘવારિના કારણે દુકાનમાં મંદી હતી, એક પણ ગ્રાહક અહીં સોનાના દાગીના ખરીદવા આવ્યો નહોતો. જેથી ચોર ટોળકીએ જવેલર્સની રેકી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. 3 થી 4 યુવકો બેગ લીફટિંગ કરીને નરોડાથી કઠવાડા તરફ ફરાર થઇ ગયા હતા. જેથી સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે cctv ફૂટેજના આધારે બાઈક નંબર મેળવીને ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી છે.

નરોડામાં બેગ લીફટિંગની ઘટનાથી અન્ય વેપારીઓમાં સુરક્ષાને લઈને ડર ઉભો થયો છે. હાલમાં નરોડા પોલીસે નજર ચૂકવીને ચોરીનો ગુનો નોંધીને જુદી જુદી ટિમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે સાથે જ ફરિયાદીની પણ ઉલટ તપાસ કરાઈ રહી છે કેમ કે અગાઉના અનેક કિસ્સામાં એવું સામે આવ્યું છે કે જે ફરિયાદ કરતા હોય છે તેજ આરોપી નીકળતા હોય છે એટલે આ કેસમાં પણ આવું બન્યું છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(8:09 pm IST)