Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

વડોદરામાં નેશનલ હાઇવે 8પર સર્જાયેલ બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતથી અફરાતફરી મચી જવા પામી

વડોદરા: શહેરમાં નેશનલ નંબર 8 પર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બ્રીજની રેલિંગ તોડી નાખી હતી અને બ્રિજ નીચે ટ્રક પડી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી.ટ્રક બ્રિજની રેલીંગ પર લટકી પડી હતી.

વડોદરા શહેરમાં આવેલા આજવા ચોકડીથી દુમાડ ચોકડી તરફ જતા બ્રિજ પર 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ધડાકાભેર ટ્રક અથડાતા બ્રીજની રેલિંગ તોડીને બ્રિજ નીચે ટ્રક પડી જવા જેવી પરિસ્થિત સર્જાઇ હતી. જેને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ હાઇવે પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને હાઇવે પરથી ટ્રાફિક જામ દૂર કર્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ધડાકાભેર ટ્રક અથડાતા ટ્રકમાં ભારે નુકસાન પહોંચ્યુ હતુ. જો કે કઇ રીતે આ ટ્રક અથડામણ થયું તેની ચોક્કસ માહિતી સામે આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ નંબર 8 હાઇવે સતત ધમધમતો હોય છે. અહીં વાહનોની અવર-જવર સતત ચાલતી રહે છે. ખાસ કરીને ભારે વાહનોની અવર-જવર વધારે રહેતી હોય છે. ત્યારે ભારે વાહનો વચ્ચે જ આ પ્રકારનાં અકસ્માત સર્જાય ત્યારે ટ્રાફિક જામ થઇ જતો હોય છે. પરંતુ આ હાઇવે પર ભારે વાહનોની અવર-જવર વધારે હોવાને કારણે અન્ય વાહન ચાલકોએ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બને છે.

(7:01 pm IST)