Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

NCTE દિલ્હીના સહયોગથી રાજ્યપાલની અધ્યક્ષતામાં સ્વર્ણિમ સંકુલ-1ના નર્મદા હોલ ખાતે યોજાશે કાર્યક્રમ

IITE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ગાંધીનગરમાં "ઓપન હાઉસ ડિસ્કશન" :"નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ" અને "નેશનલ મેનટોરિંગ મિશન" વિષય પર થશે સંવાદ

ગાંધીનગર :આદર્શ શિક્ષકોના ઘડતર માટે કટિબદ્ધ ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશનના યજમાન પદે  નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશનના સહયોગથી આવતીકાલ તા.30ના રોજ રાજ્યપાલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પર દેશભરમાંથી ઉપસ્થિત રહેનાર શિક્ષણવિદો અને વિષય નિષ્ણાંતોની હાજરીમાં  એક દિવસીય "ઓપન હાઉસ ડિસ્કશન " યોજાશે.

  ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલાં સ્વર્ણિમ સંકુલ-૧ના નર્મદા હોલ ખાતે આવતીકાલ તા.30ને ગુરુવારે સવારે 9:30 કલાકથી પ્રારંભ થનાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત એક દિવસીય "ઓપન હાઉસ ડિસ્કશન"નો ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ, ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ  ઓફ ટીચર્સ એજ્યુકેશનના કુલાધિપતિ  અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે.  જયારે, આ પ્રસંગે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE)ના કુલપતિ હર્ષદ પટેલ તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન(NCTE)ના  મેમ્બર સેક્રેટરી કુ. કેશાંગ શેરપા ઉપસ્થિત રહેશે.

  અલગ-અલગ બે સત્રમાં યોજાનાર આ "ઓપન હાઉસ ડિસ્કશન"માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020માં અત્યંત મહત્વપૂર્ણ મનાતા બે મુસદા પર ખાસ ચર્ચા થશે.જેમાં બપોરના ૧૨ કલાકથી પ્રો.ચંદ્રભૂષણ શર્માના અધ્યક્ષપણા હેઠળ "નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ" વિષય પર જયારે,બપોર બાદ પ્રો.ભદ્રાયુ વચ્છરાજાણીના અધ્યક્ષપણાં હેઠળ અન્ય એક મહત્વપૂર્ણ વિષય "નેશનલ મેનટોરિંગ મિશન" પર સંવાદ યોજાશે.

     આ કાર્યક્રમમાં રાજયભરના શિક્ષણક્ષેત્રના તજજ્ઞો,આચાર્ય ,સંચાલક  અને નીતિનિર્ધારકો  ઉપસ્થિત  રહેશે.

(6:29 pm IST)