Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

સુરતના કાપોદ્રા વિસ્તારના મમતા પાર્કમાં ચોરી કરવા ગયેલ અજય ઉર્ફે ગોરી વસાવા ઉપરથી નીચે પટકાતા જીવ ગુમાવ્યો

મૃતક અગાઉ ૧૧ જેટલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હતાઃ જુદા જુદા વિસ્તારોમાં ચોરી કરી’તી

સુરત, તા., ૯: ચોરી કરવાના ઇરાદે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મમતા પાર્કમાં ઘર નં. ૧૧૪ માં અજય ઉર્ફે ગોરો વસાવા ઉપરથી નીચે પડતા મોતને ભેટયો હતો. મૃતક અગાઉ પણ ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીઍમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના સુરતના કપોદ્રા વિસ્તારની છે. જ્યાં રાત્રી દરમિયાન ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસ્યો અને ઉપરથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. ચોરી કરવા ગયેલા અજય ઉર્ફે ગોરો વસાવા નામના ઇસમનું મોત થયું છે. અજય ઉર્ફે ગોરો વસાવા સુરતના કપોદ્રા વિસ્તારમાં આવેલા મમતા પાર્કના પહેલા વિભાગમાં ઘર નંબર 114 માં ચોરી કરવા ગયો હતો. 

તે દરમિયાન ઘરમાં ઉપરના ભાગથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તે જ સમયે ઉપરથી નીચે પટકાતા અજયે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ઘટનાને લઇ તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે, અજયે અગાઉ 11 ઘર ફોડ ચોરીના ગુના આચાર્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 9 અમરોલીમાં, 1 કોસંબામાં અને 1 રાજપીપળામાં ગુના આચર્યા હતા. જોકે, પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:38 pm IST)