Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ગુજરાતની ૧૭ વર્ષીય યુવતી પર દિલ્હીમાં બળાત્કાર : બેની ધરપકડ

દિલ્હી રેલવે સ્ટેશન ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઇને ચર્ચામાં

નવી દિલ્હી તા. ૯ : નવી દિલ્હી રેલવે સ્ટેશન ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને ચર્ચામાં છે. આ વખતે તિલક બ્રિજ રેલ્વે ટ્રેક પાસે ઝાડીઓમાં ૧૭ વર્ષની સગીર છોકરી પર બે લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, કેસની ફરિયાદ મળતાં પોલીસે એફઆઈઆર નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ સેકટર ૨૨, ફરીદાબાદ જવાહર કોલોનીના રહેવાસી હરદીપ નાગર (૨૧) અને આગ્રાના રહેવાસી રાહુલ (૨૦) તરીકે થઈ છે.

ડીસીપી રેલ્વે પોલીસ હરેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર પીડિતા થોડા દિવસ પહેલા તેના પરિવારના સભ્યો સાથે કોઈ કામ માટે ચંદીગઢ ગઈ હતી, જયાં તે ૧૮ થી ૨૫ જુલાઈ સુધી રોકાઈ હતી. ત્યાં તેની મુલાકાત ગોંડા યુપીના રહેવાસી દીપક (૨૫) સાથે થઈ. તેણીએ દીપક સાથે તેના ગામ જવા માટે તેણીનું ઘર (ગુજરાત) છોડી દીધું અને ૫ ઓગસ્ટના રોજ બંનેએ લખનૌ જતી ટ્રેન પકડી. બીજા દિવસે તે દીપક સાથે લખનઉ પહોંચી હતી.

અહીંથી બંને ટેકસી કરીને ગામ ગયા. ત્યાં રોકાયા બાદ બંને ૭મી ઓગસ્ટે બપોરે ૨ વાગે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચ્યા. બંનેને ગુજરાત જતી ટ્રેન પકડવાની હતી. પરંતુ તે ટ્રેન ચૂકી ગયા. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં દીપકે તેને સ્ટેશન પર છોડી દીધી.

પીડિતાએ દીપકને રેલ્વે સ્ટેશન પરિસરમાં શોધવાનો ઘણો પ્રયાસ કર્યો. જયારે તે સેન્ટ્રલ ફૂટ ઓવર બ્રિજ પર હતી, ત્યારે તે પાણી વેચતા બે લોકો હરદીપ નાગર અને રાહુલને મળી. પીડિતાએ બંનેની મદદ માંગી અને પોતાના ઘરે ફોન કરવાની વાત કરી. તે બંનેએ પીડિતાની ભાઈ સાથે મોબાઈલ પર વાત કરાવી. બંનેએ કિશોરીને ટ્રેન પકડવામાં મદદ કરવાની વાત કરી હતી. આ પછી બંનેએ યુવતીને બીજા સ્ટેશન પર ટ્રેન પકડવાનું કહીને પોતાની સાથે લઈ ગયા. તિલક બ્રિજ ટ્રેક પાસે ઝાડીઓમાં લઈ ગયા બાદ બંનેએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી તેઓ તેને ૮ ઓગસ્ટના રોજ વહેલી સવારે અજમેરી ગેટ તરફ લઈ આવ્યા હતા.

આ દરમિયાન દીપક તેમની સામે આવ્યો. આરોપી હરદીપ અને રાહુલે દીપકને યુવતીને એકલી છોડી દેવાની ધમકી આપી હતી. તેમની વચ્ચે બોલાચાલી થતી જોઈને પેટ્રોલિંગ સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. પીડિતાની આખી વાત સાંભળ્યા બાદ પોલીસે તેની મેડિકલ તપાસ કરાવી.

યુવતીના નિવેદનના આધારે, બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આઈપીસીની કલમ ૩૭૬ (ડી) અને ૬ પોકસો એકટ હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગયા મહિને જ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક યુવતી સાથે સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો હતો, જેમાં બે રેલવે કર્મચારીઓ આરોપી હતા.

(2:01 pm IST)