Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાજકોટ - મોરબી - અમદાવાદ - વડોદરામાં ITના દરોડા

લાંબા સમય બાદ આકવેરા ખાતાએ ધોકો પછાડવાળુ શરૂ કરતા કરચોરોમાં ફફડાટ : મોરબીના કયુટોન સિરામિકમાં વ્‍હેલી સવારથી કાર્યવાહી : રાજ્‍યમાં કુલ ૨૫ સ્‍થળોએ ઓપરેશન : મોટી કરચોરી બહાર આવવાની શક્‍યતા

અમદાવાદ તા. ૯ : રાજ્‍યમાં આવકવેરા ખાતાએ લાંબા સમય બાદ કાર્યવાહીનો દોર શરૂ કરતા કરચોરોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. ટારગેટ પૂરો કરવા તથા કરચોરોને સાણસામાં લેવા માટે આજે આવકવેરા ખાતાએ વ્‍હેલી સવારથી અમદાવાદ - વડોદરા - રાજકોટ અને મોરબીમાં ઓપરેશન હાથ ધર્યુ હોવાનું ટોચના વર્તુળોએ જણાવ્‍યું છે.

ટોચના વર્તુળોના જણાવ્‍યા પ્રમાણે મોરબીની ક્‍યુટોન સીરામિકમાં આવકવેરા ખાતાએ દરોડો પાડતા સીરામીક ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

જાણવા મળતી વિગત મુજબ આવકવેરા ખાતાએ આજે વહેલી સવારથી જ રાજ્‍યમાં ૨૫ જેટલા રહેણાંક - ઓફિસના સ્‍થળોએ કાર્યવાહી શરૂ કરી છે જે દરમિયાન મોટાપાયે કરચોરી બહાર આવે તેવી શક્‍યતા છે. આયકર ખાતાએ અમદાવાદ - વડોદરામાં પણ કાર્યવાહી શરૂ કરી છે પણ કોને ત્‍યાં તે જાણી શકાયું નથી.

દરમિયાન ગુજરાતમાં સીરામીક ઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ હરોળનું ગણાતુ ક્‍યુટોન ગ્રુપ ઉપર ઇન્‍વેસ્‍ટીંગેશન વીંગના શ્રી વસંત રાજપૂત, શ્રી રોહિતકુમાર, શ્રી વી.એમ.ડાંગરના માર્ગદર્શન હેઠળ ૧૫૦થી વધુ આવકવેરા અધિકારીઓએ ૨૦થી વધુ સ્‍થળોએ વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી, અમદાવાદ અને રાજકોટમાં ૪ સ્‍થળોએ આવકવેરાના દરોડા ચાલુ છે. આવકવેરા દરોડાની કાર્યવાહી આજે મોડી રાત્રી સુધી ચાલવાની અને મોટી કરપાત્ર રકમ મળવાનો નિર્દેશ સૂત્રોએ આપ્‍યો છે.

(12:20 pm IST)