Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

રાજપીપળાની શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ‘તિરંગા યાત્રા’ યોજાઈ

સમાજના જવાબદાર નાગરિકની નૈતિક ફરજ સમજી રાષ્ટ્રધ્વજના સન્માનમાં ઘરે-ઘર તિરંગો ફરકાવવા એમ.આર. કોલેજના આચાર્ય ડો. શૈલૈન્દ્રસિંહ માંગરોલાની જિલ્લાવાસીઓને અપીલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા દેશવાસીઓને ઉત્સાહભેર જનભાગીદારી સાથે ઘર, મહોલ્લા, દુકાનો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત દરેક સ્થળે તિરંગો ફરકાવીને આ અભિયાનને સફળ બનાવવા હાંકલ કરી છે.  જેના ભાગરૂપે રાજપીપલાની શ્રી એમ.આર. આર્ટ્સ એન્ટ સાયન્સ કોલેજ દ્વારા આજે વિશાળ પાયે ‘તિરંગા યાત્રા’ યોજાઈ હતી.
રાજપીપલાની શ્રી એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્ય ડો. શૈલૈન્દ્રસિંહ માંગરોલાએ ‘હર ઘર તિરંગા’ અભિયાનને અનુલક્ષીને જણાવ્યું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ નિમિત્તે સમગ્ર દેશભરમાં જ્યારે તમામ નાગરિકો દેશભક્તિથી રંગાયા છે, ત્યારે અમારી  કોલેજ માં પણ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ છે. આજે અંદાજિત ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સાથે નગરમાં તિરંગા યાત્રા નિકળી હતી. સમગ્ર વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ હતો અને અમારુ માનવું છે કે, રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવી તેની આન-બાન અને શાન જાળવવાની તમામ નાગરિકોની ફરજ છે અને એ ફરજના ભાગરૂપે આ અમે તિરંગા યાત્રા કાઢી હતી.  
નાગરિકોમાં દેશપ્રેમ અને એકતાની ભાવના ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે શ્રી એમ.આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આચાર્યની હાજરીમાં NCC-NSS સહિત કોલેજના અંદાજિત ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓની વિશાળ પાયે ‘તિરંગા યાત્રા’ નિકળી હતી. કોલેજથી પ્રારંભાયેલી આ યાત્રા કાળિયાભૂત ચોકડી, કલેક્ટર કચેરી, ગાંધી સર્કલ, સંતોષ ચોકડીથી થઈ રાજેન્દ્રનગર સોસાયટી ખાતે આવી પહોંચી હતી. તિરંગા યાત્રા દરમિયાન કોલેજના આચાર્ચ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ એ તિરંગો લહેરાવીને નગરવાસીઓને ઘરે-ઘર તિરંગો લહેરાવવા અપીલ કરી હતી. અંતે કોલેજ ખાતે આ તિરંગા યાત્રાનું સમાપન કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી કોરોના પ્રતિરોધક રસીના બુસ્ટર ડોઝથી વંચિત છે તેમના માટે શ્રી એમ.આર.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ માં બુસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ટીમ ફાળવવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ કુલ ૩૦ વિદ્યાર્થીઓને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો, તેમ રાજપીપલા હેલ્થ સેન્ટરના સેનેટરી ઇન્સપેક્ટર હેમરાજ વસાવાએ જણાવ્યું હતું.

(11:21 pm IST)