Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

અમદાવાદમાં ફિલ્મી ઢબે ૧૬.૩૦ લાખ રૂપિયાની લૂંટ

આખી ઘટના સીસીટીવીમાં કેદ : પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ રાજાને ન પકડી શકતા તેણે વધુ એક ગુનો આચરી પોલીસની ઊંઘ હરામ કરી નાખી

અમદાવાદ,તા.૯ : અમદાવાદ શહેરમાં લૂંટનો બનાવ બન્યો છે. ધોળા દિવસે અને ટ્રાફિકથી ધમધમતા રોડ પર બે યુવકો ૧૬.૩૦ લાખ રૂપિયા રોકડ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બે યુવકો યુવક પાસેથી થેલો લઈને ફરાર થઈ જાય છે. જોકે, આ કેસમાં પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. એવી પણ માહિતી મળી છે કે આ કેસમાં ફરિયાદી અને આરોપી બંને એકબીજાના પરિચિત છે. એટલે પોલીસ એ એંગલને ધ્યાનમાં રાખીને પણ તપાસ કરી રહી છે. આ કેસનો મુખ્ય આરોપી બે દિવસ પહેલા જાહેરમાં યુવકની હત્યા નિપજાવનાર રાજા ઉર્ફે ભાવેશ સોલંકી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં ફિલ્મી ઢબે રૂપિયા ૧૬.૩૦ લાખની લૂંટ કરી બે બાઇક સવારો ફરાર થઈ ગયા છે.

લૂંટ કરનાર અન્ય કોઈ નહીં પણ બે દિવસ પહેલા અમરાઈવાડીમાં હત્યા કરનાર જ રાજા ઉર્ફે ભાવેશ છે. અમરાઈવાડી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ રાજા ઉર્ફે ભાવેશને ન પકડી શકતા તેણે વધુ એક ગુનો આચરી પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. અમરાઈવાડી પોલીસ મૂકપ્રેક્ષક બનતા રાજાએ વધુ એક ગુનાને અંજામ આપ્યો છે. અમદાવાદમાં સોમવારે કાગડાપીઠ વિસ્તારના વાણિજ્ય ભવનથી કાંકરિયા ઝૂ સર્કલ વચ્ચે આ ઘટના બનવા પામી છે.

બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી ૧૨ લાખ લૂંટવાના ૨૪ કલાકમાં જ થયા છે ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા ૧૬.૨૯ લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે બે દિવસ પહેલા અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના ૨૦ ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકી નામના આરોપીએ અન્ય વ્યક્તિ સાથે મળી આ લૂંટ કરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે. પોલીસ દ્વારા ફરિયાદી નિલેશ વૈષ્ણ અને યોગેશ પરમારની પૂછપરછમાં સામે આવ્યું છે કે, બંને અમરાઈવાડી ખાતે આવેલા શ્યામ એજન્સીના કર્મચારીઓ હતા.

આ એજન્સી પાસે આઈટીસીની ડીલરશીપ છે, જેની રોજબરોજની રોકડ રકમ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાણિજ્ય ભવન પાસે આવેલ બેક્નમાં જમા કરવા જતા હોય છે. આ દરમિયાન આ બનાવ બનવા પામ્યો હતો. બીજી તરફ ભોગ બનનાર એક યુવક અને ફરિયાદી એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજાથી પરિચિત છે, તેથી ફરિયાદી સામે પણ શંકા રાખી તપાસ કરાશે. શહેર પોલીસને અસામાજિક તત્વો જાણે કે પડકાર ફેંકી રહ્યા છે. એક બાદ એક હત્યાના બનાવો બની રહ્યા છે.

(7:48 pm IST)