Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

વડોદરા:ગણતરીની કલાકોમાં ચેઇન સ્નેચિંગ ટોળકીએ મોર્નિંગ વોકમાં નીકળેલ મહિલાના ગળામાંથી ચેઇનની તસ્કરી કરી છૂમંતર.....

વડોદરા: શહેરમાં દિવસે-દિવસે ક્રાઇમ રેટનો ગ્રાફ ચિંતાજનક ઉંચો જઇ રહ્યો છે. ચેઇન સ્નેચીંગ ટોળકીએ મોર્નીંગ વોકમાં નીકળેલી બે મહિલાઓ અને ફૂલ તોડી રહેલી વૃદ્ધાનાને નિશાન બનાવી ગણતરીના  કલાકોમાં ત્રણ ઘટનાને અંજામ આપી ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

134, વૈકુંઠ-2, ન્યુ વીઆઇપી રોડ ઉપર રહેતા અરૂણાબહેન દયાપ્રસાદ ત્રિવેદી (ઉં.55) સવારે 6-45 કલાક પતિ સાથે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. દંપતિ ચાલતા ખોડીયાર નગર ચાર રસ્તા, બ્રહ્માનગર પાસેથી પસાર થતા હતા. તે સમયે બ્લેક કલરની બાઇક ઉપર ધસી આવેલા અજાણ્યા બે શખ્શો અરૂણાબહેન ત્રિવેદીના ગળામાંથી રૂપિયા 35 હજારની કિંમતની દોઢ તોલાનો સોનાની ચેઇનની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ હરણી પોલીસને થતાં તુરતજ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લૂંટારુ ટોળકીનો ભોગ બનેલા અરૂણાબહેન ત્રિવેદી પાસેથી  વિગત મેળવી તપાસ શરૂ કરી હતી.

ખોડીયાર નગર પાસેના બનાવના અડધા કલાક બાદ એટલે કે, સવારે  7-15 કલાકે સમા ચાણક્યપુરી જીગર વિદ્યાલય પાસેથી ચાલતા જઇ રહેલા 50 વર્ષિય ગંગોત્રીબહેન મહેન્દ્રપ્રસાદ રાયને ( રહે. બી-19, તક્ષશિલા સોસાયટી, વિભાગ-2, ન્યુ સમા રોડ, વડોદરા) નિશાન બનાવ્યા હતા. બાઇક ઉપર ધસી આવેલા લૂંટારાઓએ ગંગોત્રીબહેન રાય કંઇ સમજે તે પહેલાં તેઓના ગળામાંથી સવાથી દોઢ તાલા વજનની રૂપિયા 30 હજારની કિંમતની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ બનાવ અંગેની જાણ સમા પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને ટોળકીનો ભોગ બનેલા ગંગોત્રીબહેન પાસેથી વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી.

(6:01 pm IST)