Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ગાંધીનગર નજીક આવેલ કોલવડા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આધેડે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરતા 6 વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:શહેર જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહયો છે ત્યારે શહેર નજીક આવેલા કોલવડા ગામમાં રહેતાં જમીન દલાલે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કોલવડા ગામે રહેતાં અલ્કાબેન સુરેશભાઈ દરજીએ ફરીયાદ નોંધાવી હતી કે તેમના પતિ સુરેશભાઈ શકરાભાઈ દરજી છેલ્લા ર૦ વર્ષથી જમીન મકાનની દલાલીનો વ્યવસાય કરતાં હતા અને વર્ષ ર૦૧૫માં તેમણે ધંધામાં દેવુ થઈ ગયું હોવાની વાત કરી હતી. જે પેટે વ્યાજે રૃપિયા પણ લીધા હોવાનું કહયું હતું. કુડાસણ ખાતે તેમની દરજીની દુકાન વ્યાજખોરોના ત્રાસથી બંધ કરી દીધી હતી. કોલવડા ગામના રજનીભાઈ અંબાલાલ પટેલ કે જે હાલ કુડાસણમાં વૃંદાવન સોસાયટીમાં રહે છે તે અવારનવાર તેમના પતિ પાસે વ્યાજની ઉઘરાણી કરવા માટે આવતા હતા. રપ દિવસ અગાઉ રાંધેજા ગામના સે-ર૬માં રહેતાં દિનેશભાઈ મંગળદાસ પટેલે પણ ચેક રીટર્નની નોટીસ મોકલીને રૃપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ સુરેશભાઈએ ઘરના સભ્યોને કહયું હતું કે મેં રજનીભાઈની સાથે દિનેશભાઈ અને કોલવડાના અને સે-ર૬માં રહેતા ભરતભાઈ નારણભાઈ પટેલ પાસેથી રૃપિયા લીધા હતા જેમાં વધુ વ્યાજ અને નાણાં માંગે છે. સે-૩ ખાતે રહેતા પાર્થ ચુડાસમાને વચ્ચે રહીને રજનીભાઈ પાસેથી પાર્થને પૈસા અપાવ્યા હતા હવે તેઓ મારી પાસે રૃપિયા માંગે છે અને પાર્થ પાસે રૃપિયા માંગુ તો ધાકધમકી આપે છે. ગત ગુરૃવારના રોજ સુરેશભાઈએ ઘરમાં ઝેરી દવા પી લીધી હતી અને મોઢામાંથી ફીણ નીકળતાં પરિવારજનો તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સીવીલ લઈ ગયા હતા. જયાં તેમના પતિએ કહયું હતું કે મેં ઘરે ચીઠ્ઠી મુકી છે જેમાં મને જેમણે ત્રાસ આપ્યો છે તેમના વિશે લખ્યું છે. રાત્રે સારવાર દરમ્યાન તેમને મૃત જાહેર કર્યા હતા. તેમના રૃમમાં તપાસ કરતાં એક ચીઠ્ઠી મળી આવી હતી. જેમાં રજનીભાઈ, ભરતભાઈ, દિનેશભાઈ ટોર્ચર કરતાં હોવાનું અને દસ ટકા વ્યાજ માંગતા હોવાનું લખ્યું છે તેમજ મને ફસાવનાર કોલવડાના કરણસિંહ ભવાનસિહ વાઘેલા છે જેમની સાથે ધંધો કરવા છતાં ભાગ આપ્યો નહીં અને તેમની પાસેથી રપ ટકા ભાગ લેવાનો નીકળે છે. ચીઠ્ઠીમાં વાવોલના રાકેશભાઈ પટેલે પણ ફલેટ લખાવી લીધો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ તો પોલીસે આ છયે વ્યક્તિઓ સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધીને તેમની અટકાયત માટે દોડધામ શરૃ કરી છે. 

(5:58 pm IST)