Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

પારૂલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી ચિરાગ યાદવ રાષ્ટ્રીય પુરૂષ વોલીબોલ ટીમમાં: જાપાન ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરશે

આ સ્પર્ધા સપ્ટેમ્બર ૨૦૨૧માં જાપાનના ચિબા અને ફુનાબાશીમાં યોજાશેઃ રમત પ્રત્યેની પોતાની પ્રતિબદ્ઘતા અને સમર્પણ દ્વારા, ચિરાગ રમતમાં ટોચ પર સ્થાન મેળવવામાં સફ્ળ રહ્યો છે

વડોદરા, તા.૯: ગુજરાતમાં અગ્રણી યુનિવર્સિટીઓમાં સ્થાન ધરાવતી પારૂલ યુનિવર્સિટીમાં આર્ટસમાં અભ્યાસ કરતા અને વોલીબોલ ચેમ્પિયન ચિરાગ યાદવની પસંદગી ભારતીય વોલીબોલ ટીમમાં થઇ છે. આગામી દિવસોમાં જાપાન ખાતે યોજાનાર એશિયન ચેમ્પિયનશિપમાં ચિરાગ યાદવ ભારતનું પ્રતિનિધિત્વ કરવા તૈયાર છે. ૨૦૨૧ એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશિપ એશિયન મેન્સ વોલીબોલ ચેમ્પિયનશિપની ૨૧મી આવૃત્તિ હશે. જે જાપાન વોલીબોલ એફિલિયેશન (જેવીએ) ના સહયોગથી એશિયન વોલીબોલ કોન્ફેડરેશન (એવીસી) દ્વારા દ્વિવાર્ષિક વિશ્વવ્યાપી વોલીબોલ સ્પર્ધા છે. આ સ્પર્ધા સપ્ટેમ્બર ૨૦૨૧ માં જાપાનના ચિબા અને ફુનાબાશીમાં યોજાશે. રમત પ્રત્યેની પોતાની પ્રતિબદ્ઘતા અને સમર્પણ દ્વારા, ચિરાગ રમતમાં ટોચ પર સ્થાન મેળવવામાં સફ્ળ રહ્યો છે.

ચિરાગ યાદવ પારૂલ યુનિવર્સિટીના આર્ટ્સ, પત્રકારત્વ અને માસ કમ્યુનિકેશન ફેકલ્ટીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ચિરગ મૂળ હરિયાણાનો વતની છે અને હાલ પારૂલ યુવિનર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે. યુનિ.ની જુદી જુદી સ્કોલરશીપ સ્કીમ હેઠળ સ્પોર્ટસ સ્કોલરશીપ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી ચિરાગ યાદવ એક છે. તેની સમગ્ર રમત કારકિર્દી દરમિયાન, ચિરાગે શ્રેષ્ઠ રમતનો રેકોર્ડ દર્શાવ્યો છે. જેના થકી જ તે આજે વોલીબોલમાં દેશના પ્રતિનિધિત્વ સુધી પહોંચી શકયો છે.

ચિરાગે અસંખ્ય સ્પર્ધાઓમાં અસંખ્ય મેડલ અને ટાઇટલ જીત્યા છે. જે પૈકી કેટલીક તો ખરેખર નોંધપાત્ર સિદ્ઘિઓ છે. જેમાં ગુવાહાટી આસામમાં ખેલો ઇન્ડિયા યુવા રમતોમાં ગોલ્ડ મેડલ,  ૨૦૧૯ માં મ્યાનમારમાં અંડર -૨૩ એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, રાજસ્થાનમાં યોજાયેલી યુથ નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવો, અંડર -૧૯ નેશનલ ચેમ્પિયનશિપ, કર્ણાટકમાં બ્રોન્ઝ મેડલ સહિતનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ચિરાગે પશ્યિમ બંગાળમાં યોજાયેલી જુનિયર નેશનલ ચેમ્પિયનશિપ અને મહારાષ્ટ્રના પુણેમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા નેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. એટલું જ નહીં ૨૦૧૭માં હિમાચલમાં યોજાયેલી અંડર -૧૯ નેશનલ ચેમ્પિયનશિપમાં તેની બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

પારૂલ યુનિવર્સિટી રાષ્ટ્રના યુવાનોમાં રહેલા રમત ગમતના ઉત્સાહને  પ્રોત્સાહન આપવા માટે તેમજ તેમના કૌશલ્યની ઓળખ કરીને અને તેમની પ્રતિભાને પોષવા માટે પ્લેટફેર્મ પુરુ પાડવામાં આવે છે.

(4:37 pm IST)