Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સરકારી હોસ્પિટલોના ફાર્માસીસ્ટ મંડળના પ્રમુખપદે વિસ્મિત શાહ તથા મહામંત્રીપદે ચિરાગ સોલંકી

ગુજરાતમાં ૭૦૦થી વધુ સભ્યો ધરાવતાં મંડળની ગઇકાલની મિટીંગમાં સર્વસંમતિથી હોદેદારો નિમાયાઃ મિડીયા કો-ઓર્ડીનેટર તરીકે દિપેન અટારાઃ ફાર્માસીસ્ટસને 'કોરોના વોરીયર્સ' ગણવા સંદર્ભે સરકારને રજૂઆત કરાશે

રાજકોટ તા. ૯ :.. ગુજરાત રાજયની સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતા ફાર્માસીસ્ટસનું સમગ્ર રાજયકક્ષાએ એક મંડળ (એસોસીએશન) કાર્યરત છે. જે તબીબી સેવા તથા શિક્ષણ ક્ષેત્રે સેવાની સાથે સાથે સભ્યોના હિતોની પણ રક્ષા કરે છે. આ ફાર્માસીસ્ટ મંડળની ગઇકાલે અમદાવાદ ખાતે મિટીંગ (સામાન્ય સભારૂપે) મળી હતી. જેમાં મંડળનાં પ્રમુખ તરીકે વિસ્મિતભાઇ શાહ તથા મહામંત્રી તરીકે ચિરાગભાઇ સોલંકીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

મંડળના અધ્યક્ષ તરીકે પસંદગી પામેલ વિસ્મિતભાઇ શાહ દાહોદ જીલ્લાના ધાનપુર સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર સાથે જોડાયેલ છે અને મહામંત્રી ચિરાગભાઇ સોલંકી અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોતાની ફરજ બજાતો છે. સમગ્ર ગુજરાતમાં આ ફાર્માસીસ્ટ મંડળના કુલ ૭૦૦ થી પણ વધુ સભ્યો છે જે સતત તબીબી સેવા સાથે જોડાયેલ છે.

મંડળના મિડીયા કો-ઓર્ડીનેટર તરીકે પસંદગી પામેલ સરકારી હોસ્પિટલ કેશોદના ફાર્માસીસ્ટ દિપેન અટારાએ અકિલાને જણાવ્યું હતું કે રાજયની વિવિધ હોસ્પિટલોમાં સરકારમાંથી તથા દવાની કંપનીઓમાંથી તમામ દવાઓનું વિતરણ, નિયમન અને નિયંત્રણ ફાર્માસીસ્ટસ ને સાથે રાખીને કરવામાં આવે છે. ખાસ કરીને હાલમાં કોરોના વેકિસન સંદર્ભે તાપમાન જાળવવાનું (કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ) અતિ ઉપયોગી કાર્ય પણ રાજયની હોસ્પિટલોના ફાર્માસીસ્ટસ દ્વારા થઇ રહ્યું છે. ગરીબ અને જરૂરીયાત મંદ દર્દીઓને દવાઓનું યોગ્ય વિતરણ કરવામાં પણ ફાર્માસીસ્ટસની ઉપયોગી ભૂમિકા હોવાનું જણાવ્યું હતું. ફાર્માસીસ્ટ મંડળ  તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ તથા આરોગ્ય સાથે પણ સંકળાયેલ છે.

ગઇકાલે અમદાવાદ ખાતે યોજાયેલ ફાર્માસીસ્ટ મહામંડળના આ વાર્ષિક સંમેલન માં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જીલ્લાની હોસ્પિટલ તથા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલના ફાર્માસીસ્ટસને 'કોરોના વોરીયર્સ' ગણવા બાબતે સરકારશ્રીને રજૂઆત કરવાનું પણ સમગ્ર કારોબારી દ્વારા નકકી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. વિસ્મીત શાહ - મો. ૯૯૭૯૪ ૩૪૮૮૦, ચિરાગ સોલંકી મો. ૯૮૭૯૧ ૧૯૮૭૮.

(4:36 pm IST)