Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ઓગષ્ટના બીજા સપ્તાહ બાદ સારા વરસાદની આશા

રાજયમાં વાદળછાયુ વાતાવરણ રહેશેઃ મેઘરાજા મહેર નહી વરસાવે તો પાણીની તંગી સર્જાવાની ભીતીઃ છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે વરસાદ પડયો

રાજકોટઃ છોટાઉદેપુરનાં ત્રણ તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. વહેલી સવારથી બોડેલી, પાવીજેતપુર, છોટાઉદેપુર, ઢોકલીયા અને અલીપુરામાં વરસાદ પડતા લોકોએ અસહય ગરમીમાંથી છૂટકારો મેળવ્યો છે.

હવામાન વિભાગે આગાહી કરી હતી કે, ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદ થશે પરંતુ સામાન્ય કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. ઓગષ્ટમાં સારો વરસાદ નહીં થાય તો પાણીની તંગી સર્જાઈ શકવાની ભીતિ છે. ઓછા વરસાદના કારણે ગુજરાતના જળાશયો પણ ભરાયા નથી. કૂવામાં પણ પાણીના સ્તર ઉપર આવ્યા નથી.

ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. આગામી ત્રણ દિવસમાં અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની શકયતા છે. ઓગષ્ટના બીજા સપ્તાહ પછી સારો વરસાદ થાય તેવી આશા છે. ગુજરાતમાં જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં સારો વરસાદ થાય છે. પરંતુ ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ગુજરાતમાં સરેરાશ ૩૫.૩૭ ટ ટકા વરસાદ થયો છે. હજુ ગુજરાતમાં ૪૧ ટકા વરસાદની ઘટ છે.

(1:24 pm IST)