Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ટીમ ઇન્ડીયાને વિશ્વકપ જીતાડનારી ટીમનો ખેલાડી આજે અઢીસો રુપિયાના રોજ પર મજૂરી કરવા મજબૂર

શારજાહ સ્ટેડિયમમાં ફાઇનલમાં પાકિસ્તાનના વિશાળ લક્ષ્‍ય 308 રનનો પીછો કરતા ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવી હતી: સરકાર પાસે નોકરી માટે વિનંતી કરી પરંતુ કંઇ ના મળ્યુ

અમદાવાદ :  ટોક્યો ઓલિમ્પિકમાં દેશમાં મેડલ જીતવા વાળા ભારતીય ખેલાડીઓ પર સરકારો, સંસ્થાઓ ખૂબ પૈસા વરસાવી રહ્યા છે. દેશ માટે મેડલ જીતનારા આ ખેલાડીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા સહિત કંપનિઓ અનેક મોટા કરારો પણ કરી રહી છે.આ ખેલાડીઓએ દેશનુ માન વધાર્યુ છે. નવસારીના નરેશ તુમદાના જીવનમાં આમાંનુ કશુ જ નથી, ભલે તે ભારતને બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વકપ જીતાડવામાં સામેલ હતો.

જોકે એવા પણ ખેલાડીઓ છે. જેમણે ભારતનુ આંતરરાષ્ટ્રીય સ્તર પર માન વધાર્યુ છે, છતાં આજે એવા ખેલાડીઓ ગુમનામીમાં દર દરની ઠોકર ખાઇને આજીવીકા ચલાવી રહ્યા છે. આવા જ ક્રિકેટના ખેલાડીની દુખદ કહાની છે, જેણે ટીમ ઇન્ડીયાને વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી અને આજે મજૂરી કરીને પોતાનુ પેટ ભરી રહ્યો છે.

વર્ષ 2018માં બ્લાઇન્ડ ક્રિકેટ વિશ્વકપ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડીયાનો હિસ્સો રહેલા નરેશ તુમદાની આ કહાની છે. નવસારી જીલ્લાના બ્લાઇન્ડ ક્રિકેટર નરેશ તુમદા વિશ્વકપ વિજેતા ટીમની પ્લેયીંગ ઇલેવનનો હિસ્સો હતો. જેણે માર્ચમાં શારજાહ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં, પાકિસ્તાનના વિશાળ લક્ષ્‍ય 308 રનનો પીછો કરતા ભારતીય બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનાવી હતી.

નરેશ તુમદા હાલમાં મજૂરી કામ કરીને પોતાના પરિવારનુ પાલન પોષણ કરી રહ્યો છે. ભારતને નેત્રહીન ક્રિકેટ વિશ્વકપ 2018 જીતાડનાર ટીમના સદસ્ય નરેશ તુમદા હવે જીવન ગુજરાન ચલાવવા માટે નવસારીમાં મજૂરી કરે છે. તેણે કહ્યુ, હું પ્રતિદીન 250 રુપિયા કમાઉ છુ. ત્રણ વખત મુખ્યપ્રધાનને અનુરોધ કર્યો હતો, જોકે કોઇ જવાબ મળ્યો નહોતો. હું સરકારને નોકરી આપવા માટે આગ્રહ કરુ છુ, જેથી મારા પરિવારની દેખભાળ કરી શકુ. નરેશનુ કહેવુ છે તેણે, મુખ્યપ્રધાનને અરજ કરવા છતાં કોઇ જ ફાયદો થયો નથી.

(12:47 pm IST)