Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતી 16 વર્ષની શ્રદ્ધા પટેલે મિસ ટીન ઈન્ડિયા સ્પર્ધાનો ખિતાબ જીત્યો

આગ્રામાં યોજાયેલા ફોટોશૂટ રાઉન્ડ અને ક્વેશન આન્સરથી લઈને કુલ ચાર રાઉન્ડમાં પર્ફોમન્સ સારૂં લાગતાં સ્પર્ધામાં વિજેતા ઘોષિત

સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતી 16 વર્ષની શ્રદ્ધા પટેલે મિસ ટીન ઈન્ડિયા સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. આગ્રામાં યોજાયેલી સ્પર્ધામાં એક પછી એક રાઉન્ડમાં ટોપ કરીને તાજ પોતાના નામે કર્યો હતો. બાળપણથી જ મોડલિંગની દુનિયામાં કદમ મૂકનારી શ્રદ્ધાએ જણાવ્યું હતું કે, આ સ્પર્ધા જીતીને ખૂબ ખુશ છું. પરંતુ હજુ પણ મારે મિસ વર્લ્ડ કે, મિસ યુનિવર્સ બનીને દેશનું નામ રોશન કરવું છે.

આગ્રામાં 1 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી મિસ ટીન ઈન્ડિયા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તાજ જીતનારી શ્રદ્ધાએ કહ્યું હતું કે, મેં સોશિયલ મીડિયાના મારફતે આ સ્પર્ધા વિષે જાણ્યું હતું. બાદમાં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શરૂઆતમાં મને 28માં ક્રમાંક પર સિલેક્ટ કરવામાં આવી હતી.

જો કે, બાદમાં આગ્રામાં યોજાયેલા ફોટોશૂટ રાઉન્ડ અને ક્વેશન આન્સરથી લઈને કુલ ચાર રાઉન્ડમાં મારૂં પર્ફોમન્સ સારૂં લાગતાં મને સ્પર્ધામાં વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.

ઘણા દિવસો સુધી આ પ્રેક્ટિસ કર્યા બાદ તેણીએ ઘણા પ્રકારના ફૂડનો પણ ત્યાગ કર્યો હતો. મોડલિંગ ક્ષેત્રમાં આગળ વધતી શ્રદ્ધાએ કહ્યું કે, આ ફિલ્ડમાં નેગેટિવ અને પોઝિટિવ વિચારસરણી એમ બન્ને પ્રકારના લોકો છે. આપણે આપણા કામ પર ફોક્સ કરવાનું. મને મારા માતા પિતા અને માર્ગદર્શકનો પૂરતો સપોટ મળી રહ્યો છે. જેના કારણે આજે આગળ વધી રહી છું.

(11:24 pm IST)