Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને અંતે મળેલા જામીન

વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવાનો ચકચારી કેસ : હાઇકોર્ટના હુકમને પગલે પ્રદીપ શર્માને બહુ મોટી રાહત છેલ્લા દોઢેક વર્ષથી અમદાવાદ સાબરમતી જેલમાં હતા

અમદાવાદ,તા. ૮ : વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન ફાળવણી કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી હવાલા મારફતે પોતાની પત્નીના વિદેશના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના ચકચારભર્યા મની લોન્ડરીંગના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજે આખરે પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્માને જામીન આપ્યા હતા. હાઇકોર્ટ દ્વારા દોઢેક વર્ષ બાદ આખરે જામીન અપાતાં પ્રદીપ શર્માને આ ચકચારી કેસમાં બહુ મોટી રાહત મળી છે કારણ કે, તેઓ દોઢેક વર્ષથી સાબરમતી જેલમાં હતા. પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા તરફથી કરાયેલી જામીનઅરજીમાં હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ મહત્વની દલીલો કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં ડાયરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ(ઇડી) દ્વારા ગત તા.૨૭-૯-૨૦૧૬ના રોજ પૂર્વ સનદી અધિકારી પ્રદીપ શર્મા વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ (પીએમએલએ)એકટ-૨૦૦૨ની કલમ-૩ અને ૪ હેઠળ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સ્પેશ્યલ પીએમએલએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેના અનુસંધાનમાં અરજદાર પ્રદીપ શર્માની તા.૩૧-૭-૨૦૧૬ના રોજ ધરપકડ થઇ હતી અને ત્યારથી તેઓ જેલમાં છે. શર્મા તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે નીકેશ તારાચંદ શાહ વિરૂધ્ધ કેન્દ્ર સરકારના કેસમાં આપેલા સીમાચિહ્નરૂપ ચુકાદામાં પીએમએલએ એકટની કલમ-૪૫(૧)ને ગેરબંધારણીય અને બંધારણની કલમ-૧૪ અને ૨૧ના ભંગ સમાન ઠરાવી છે અને તેથી હવે પ્રસ્તુત કેસમાં પણ પીએમએલએ એકટની કલમ-૪૫(૧) લાગુ પડતી નથી, તેથી કેસના બદલાયેલા સંજોગો ધ્યાને લેતાં અરજદારને જામીન મળવા જોઇએ. વળી, અરજદાર છેલ્લા દોઢેક વર્ષથી જેલમાં છે અને ઇડીએ જે ગુનો નોંધ્યો છે, તે ત્રણથી સાત વર્ષની સજાની જોગવાઇનો છે તે જોતાં પણ અરજદારને જામીન મળવા જોઇએ. સૌથી મહત્વનું કે, તપાસનીશ એજન્સીએ અરજદાર વિરૂધ્ધ શીડ્યુલ ઓફેન્સનો જે ગુનો નોંધાયો છે તે તો પીએમએલએ એકટ ૨૦૦૫માં અમલમાં આવ્યો તે પહેલાનો છે, તેથી તપાસનીશ એજન્સી પશ્ચાદવર્તી અસરથી આ કાયદાની જોગવાઇ કેવી રીતે લાગુ પાડી શકે એવો મહત્વનો કાયદાકીય મુદ્દો પણ શર્માના વરિષ્ઠ ધારાશાસ્ત્રી આર.જે.ગોસ્વામીએ ઉઠાવ્યો હતો. વળી, સમગ્ર કેસમાં નાણાં ટ્રાન્સફર અંગેનો અંતિમ સ્ત્રોત જ સ્પષ્ટ થતો નથી. આમ, કેસના તમામ સંજોગો અને હકીકતો ધ્યાને લેતાં અરજદાર જામીન મેળવવા હકદાર ઠરે છે. આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે પ્રદીપ શર્માના જામીન મંજૂર કર્યા હતા.

પ્રદિપ શર્મા પ્રકરણ.....

શું હતો પ્રદિપ શર્મા વિરૂધ્ધનો ચકચારભર્યો કેસ

   કચ્છ-ભુજ કલેકટર તરીકેના પોતાના કાર્યકાળ દરમ્યાન વેલસ્પન ઇન્ડિયા લિ. અને તેની ગ્રુપ કંપનીઓ વેલસ્પન પાવર અને સ્ટીલ અને વેલસ્પન ગુજરાત સ્ટાઇલ રોહરનને સસ્તા ભાવે બારોબાર જમીન ફાળવી દઇ સરકારની તિજોરીને આશરે રૂ.દોઢ કરોડનું નુકસાન થયુ હતું. આ સોદા માટે ઇડીના આક્ષેપ મુજબ, પ્રદીપ શર્માની પત્ની શ્યામલ પી.શર્માના નામે રૂ.૨૨ લાખની મસમોટી રકમ તેમને મળી હતી અને આ સમગ્ર રકમ પાંચ વ્યકિતઓની મદદથી હવાલા ચેનલ મારફતે પ્રદીપ શર્માની પત્નીના અમેરિકા સ્થિત ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા. જેને લઇ ડાયરેકટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ(ઇડી)એ શર્મા વિરૂધ્ધ પીએમએલએ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને તેમની ધરપકડ કરી હતી.

બોક્ષ : સુપ્રીમકોર્ટે જે કલમ રદ કરી છે તેની શું જોગવાઇ હતી?

સુપ્રીમકોર્ટે પીએમએલએ એકટની જે કલમ-૪૫(૧) મહત્વના ચુકાદા મારફતે રદ કરી તેમાં એવી જોગવાઇ હતી કે, આરોપીને જામીન આપવા હોય તો ટ્રાયલ કોર્ટે સરકારી વકીલને સાંભળવા પડે અને આરોપી વિરૂધ્ધ જે ગુનાના તત્વો લાગુ પાડવામાં આવ્યા છે તેમાં તે દોષિત ઠરતો નથી તેવા તારણ પર કોર્ટ આવે પછી જામીન આપી શકે. જો કે, વધુ પડતી આકરી જોગવાઇ હોવાથી કેટલાય આરોપીઓના જામીન મળવાની સંભાવનાઓ પર રોક લાગી ગઇ હોવાની મહત્વની દલીલ સુપ્રીમકોર્ટમાં અગાઉ રજૂ થઇ હતી, જેને ધ્યાને લઇ સુપ્રીમકોર્ટે આ આકરી જોગવાઇ રદ કરી હતી. પ્રદીપ શર્માને જામીન મળવામાં પણ આ જ મહત્વનું ગ્રાઉન્ડ છે કે જે તેમના સિનિયર કાઉન્સેલ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટને સમજાવ્યું અને આખરે હાઇકોર્ટ કન્વીન્સ થતાં શર્માને જામીન મળી શકયા.

(3:54 pm IST)