Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

સાબરમતી નદીના પટમાંથી ગેરકાયદે રેતીની ચોરી થતા ખેડૂતોની જમીનને નુકશાન થયાની ફરિયાદ

સાબરકાંઠા:જિલ્લામાં પસાર થતી સાબરમતી નદીના પટમાંથી ખનીજ માફિયાઓએ તંત્રના નાક નીચે જ બેફામ રીતે  ઉલેચીને સરકારી તિજોરીને વ્યાપક નુકસાન પહોંચાડયાના આક્ષેપ થઇ રહ્યા છે ત્યારે બીજીબાજુ નદીમાંથી ગેરકાયદે રેતી ચોરીથી કાંઠાના વિસ્તારના ખેડુતોની જમીનોને પણ નુકસાન થયું હોવાની અગાઉ ફરિયાદો ઉઠી હતી. 
હિંમતનગરના દેધરોટા સહિત ૧૫થી વધુ ગામોમાં ખનીજ માફિયાઓ હોડીઓ મારફતે રેતી ઉચેલી લેતા પાણીના તળ નીચે જતા પંથકની પ્રજાને છતાં પાણીએ તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. હિંમતનગર તાલુકાના દેધરોટા ગામ પાસેથી પસાર થઈ રહેલી સાબરમતી નદીમાંથી કેટલાક બ્લોકના લીઝ ધારકો ધ્વારા હોડીઓનો ગેરકાયદે ઉપયોગ કરી રાત દિવસ રેતી કાઢીને વેચવાની પ્રવૃત્તિ ધમધોકાર ચલાવાઈ રહી હોવાને કારણે નદીમાં પાણીના તળ ખુબજ ઉંડા ઉતરી ગયા છે જેના કારણે દેધરોટા સહિત આસપાસના પંદરથી વધુ ગામોમાં આગામી ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઉભી થાય તેવી ભિતી સેવાઈ રહી છે જેથી સત્વરે નદીમાંથી હોડીઓ મારફતે કાઢવામાં આવતી રેતીની કામગીરીને તંત્રએ અટકાવી દેવી જોઈએ.
આ અંગે દેધરોટા તથા આસપાસના પંદરથી વધુ ગામના લોકોએ રોષપૂર્વક જણાવ્યુ હતુ કે છેલ્લા ઘણા સમયથી સાબરમતી નદીમાં રેતીના બ્લોકનો ઈજારો ધરાવતા પૈકી કેટલાક ઈજારદારો ખાણખણીજ વિભાગ અને અન્ય સંલગ્ન વિભાગોની રહેમ નજર હેઠળ સતત રાત દિવસ નદીમાંથી હોડીઓ મારફતે રેતી કાઢી રહ્યા છે જેના કારણે નદીમાં પાણીનું સ્તર ખુબજ ઉંડે જતુ રહ્યુ છે જેના કારણે નદી કિનારાના આસપાસના વિસ્તારોમાં આવેલા બોરકુવામાં પાણીના સ્ત્રોત ઘટી ગયા છે.

(5:56 pm IST)