Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

વાઇબ્રન્ટ એમ.ઓ.યુ. કાગળ પર : ગૃહમાં ગોકીરો

ભાવનગરમાં ઉર્જાક્ષેત્રે એમ.ઓ.યુ. થયા પણ કામગીરી ન થઇ : કોંગ્રેસ આક્રમક

ગાંધીનગર, તા. ૮ : આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ભાવનગર ખાતે વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ-ર૦૦૭માં ઉર્જાક્ષેત્રે થયેલ એમ.ઓ.યુ. અંગે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું તા. ૩૧/૧ર/૧૭ની સ્થિતિએ ર૦૦૭માં આ સમીટમાં ન્યુકિલીઅર પાવર કોર્પોરેશન મુંબઇ મીઠી વીરડી ભાવનગર ખાતે ૬૦૦૦ મે. વોટ સ્થાપિત બીજ ક્ષમતાના પાવર પ્લાન્ટ માટે અંદાજીત મૂડી રોકાણ રૂપિયા પ૦,૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.

આ જવાબથી સંતોષ ન થતાં વિરોધ પક્ષના શૈલેષ પરમાર, પરેશ ધાનાણી દ્વારા આકરા પ્રહારો કર્યા હતાં. આ પ્રહારોમાં તેમણે જણાવ્યું કે આ એમ.ઓ.યુ. માત્ર કાગળ ઉપર છે અને ખોટન્  મોટી મોટી વાતો કરવામાં આવે છે અને કોઇ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવેલ નથી.

આ સમયે ઉર્જા મંત્રી કોઇ વિશેષ વિગતો આપે તે પહેલા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે આ સમિટની વિશેષ પ્રસારની વિગતો આપવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ વિરોધ પક્ષ દ્વારા હો-હા, દેકારો ચાલુ રહેતા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉભા થવાની ફરજ પડી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ એમ.ઓ.યુ. કર્યા બાદ સુનામી આવેલ અને ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવેલ હતું માટે આ કામગીરી થઇ શકેલ નથી.

આમ આ જવાબથી સંતોષ ન થતા વિરોધ પક્ષ દ્વારા થોડીવાર માટે હો-હા, દેકારો ચાલુ રહ્યો હતો. આ પ્રશ્ને અંદાજે ર૦ મિનિટ સુધી ચર્ચાઓ થઇ અને હો-હા દેકારો ચાલુ હતો આ સમયે અધ્યક્ષે આગળની કામગીરીનાં આદેશો કરતા મામલો શાંત પડયો હતો.

(4:34 pm IST)