Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

આણંદમાં આઇ.ઓ.સી.એલ. ગેસના ગોડાઉનમાંથી ગેસ સિલીન્‍ટર ભરેલો આખે આખો ટ્રક ચોરાયોઃ ટ્રક હિંમતનગર નજીક અવાવરૂ જગ્‍યાએ મુકી દીધો

ગેસ ગોડાઉનમાં કામ કરતા ચારેય આરોપીઓ રાજસ્‍થાનના

અમદાવાદઃ આણંદના ગેસ ગોડાઉનમાં છેલ્લા મહિનાથી કામ કરતા આરોપીઓ અનિલ ઉર્ફે ગોવિંદ કોટેડ, કૈલાશ પરમાર, વિરેન્દ્રસિંહ અંતોલ તથા ભાનુસિંહ અંતોલાની પોલીસે ગેસના સિલીન્ડર ભરેલા ટ્રેકની ચોરીના કેસમાં ધરપકડ કરી છે.

શોર્ટકટમાં વધુ પૈસા કમાવા માટે ગેસ સિલિન્ડરની ચોરી કરતી ટોળકી ઝડપાઇ. 500થી વધુ રાંધણગેસના બાટલાની ચોરી કરનાર આરોપીઓની સાણંદ પોલીસે ધરપકડ કરી. ચોર ટોળકી છુટકમાં વધુ રૂપિયામાં ગેસ સિલિન્ડર વેચવાનો પ્લાન ઘડી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 30 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો. આરોપીઓનો પૈસા કમાવવાનો શુ હતો પ્લાન?

સાણંદ પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓના નામ અનિલ ઉર્ફે ગોવિંદ કોટેડ, કૈલાશ પરમાર, વિરેન્દ્રસિંહ અંતોલ અને ભાનુસિંહ અંતોલા છે. આરોપીઓએ ગેસ સિલિન્ડર ભરેલો આખે આખો ટ્રક ચોરી લીધો હતો. જે બાબતને લઇને સાણંદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા ચાર આરોપીઓની ધરપકડ કરી.

ગેસ સિલિન્ડરના ભાવ વધુ હોવાથી લોકોને ઓછા પૈસામાં બ્લેકમાં બોટલો આપી આરોપીઓ વધુ પૈસા મેળવવાની ફિરાકમાં હતા. જો કે 500થી વધુ ગેસની બોટલો વેચે તે પહેલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી. આરોપીઓ પાસેથી પોલીસે 500 જેટલા સિલિન્ડર, ટ્રક, બે પીકઅપ ડાલુ અને એક ગાડી મળી 37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે સાણંદમાં આવેલ માધવ નગરમાં રહેલ IOCL ગેસના ગોડાઉનમાં સિલિન્ડર ભરેલો ટ્રક ચોરી થયો હતો. જે ટ્રક સાથે સિલિન્ડર ચોરી કરનાર મુખ્ય આરોપી અનિલ ઉર્ફે ગોવિંદ કોટડે હતો..જે ગોડાઉનમાં છેલ્લા 6 મહિનાથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આરોપી અનિલ ગેસના સિલિન્ડર ભરેલ આખી ટ્રકની ચોરી કરી દહેગામ હિંમતનગર નજીક અવાવરું જગ્યાએ મૂકી દીધી હતી. જે પહેલાં દહેગામ નજીક વટવા ગામ માં 500 જેટલા ગેસના સિલિન્ડર ખેતરમાં ઉતારી દીધા હતા. જે ગેસના બાટલાઓ અડધી કિંમતમાં વેચી રહ્યા હતા તેવામાં સાણંદ પોલીસે માહિતી આધારે ચોરીના બાટલા સાથે ચારેય આરોપી પકડી લીધા.

આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે ચારેય આરોપી રાજસ્થાન વતની છે અને શોર્ટકટમાં વધુ પૈસા કમાવવા માટે ચોરી કરી હતી. જોકે આરોપી સાથે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

(6:30 pm IST)