Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

પટનામાં હવાલા કૌભાંડમાં સુરતના ડાયમંડ જવેલરીના બિઝનેસમેનનું નામ ખુલ્યું

હવાલા ઓપરેટરને પટનાથી સુરત 3 લાખ હવાલાથી મોકલવા માટે ફોન કર્યો એમાં આ ભેરવાઇ ગયા :ચાર લોકોની ધરપકડ

 

સુરતઃ બિહારના પટના પોલીસે બકરગંજ વિસ્તારમાં એક શોપમાં પાડેલા દરોડામાં ઇન્ટરનેશનલ હવાલા ટ્રાન્ઝેકશનનું કૌભાંડ પકડાયું હતું. દરોડા દરમિયાન સુરતના ડાયમંડ જ્વેલરી બિઝનેસ સાથે સંકળાયેલા એક વેપારીએ હવાલા ઓપરેટરને પટનાથી સુરત 3 લાખ હવાલાથી મોકલવા માટે ફોન કર્યો હતો,એમાં વેપારી પણ ભેરવાઇ  ગયા હતા પોલીસે હવાલા ઓપરેટર, તેના બે સેલ્સમેન અને સુરતના જ્વેલરી બિઝનેસમેન સહીત 4 લોકોની ધરપકડ કરી છે.

  જાણવા મળતી વિગત મુજબ સુરતમાં સોનલ જેમ્સના નામથી ધંધો કરતા અનિલ મિત્તલ પટનાના એક જ્વેલરી શો માટે ગયો હતો.તેણે પટનાથી સુરત 3 લાખ હવાલાથી મોકલાવવાના હતા. અનિલ મિત્તલ પટનાની એક ફાઇવ સ્ટાર હોટેલમાં ઉતર્યો હતો. તેણે હવાલા માટે પંકજ અગ્રવાલને ફોન કર્યો હતો. તે વખતે પોલીસના દરોડા પંકજ અગ્રવાલને ત્યાં ચાલી રહ્યા હતા. પોલીસે પંકજને ફોન રિસીવ કરવાનું ચાલું રાખવા કહ્યું હતું. માહિતીને આધારે પોલીસનો માણસ હોટલમાં અનિલ મિત્તલ પાસે પંકજ અગ્રવાલ બનીને ગયો હતો.જેવા મિત્તલે 3 લાખ રૂપિયા આપ્યા કે તરત પોલીસે તેની ધરપકડ કરી હતી.

    હવાલા ઓપરેટર પંકજ અગ્રવાલ બકરગંજ વિસ્તારમાં મિત્તલ ઇમ્પેકસના નામથી બેગ શોપ ચલાવે છે,શોપની પાછળના ભાગમાં તેણે ઇન્ટરનેશનલ હવાલા ઓપેરશન ઉભુ કર્યું હતું. પંકજ શોપનું દર મહિને લાખ રૂપિયા ભાડું ચુકવતો હતો. પોલીસે તેની શોપમાંથી કરન્સી કાઉન્ટીંગ મશીન,બે લેપટોપ, આઇપેડ અને સીસીટીવીની હાર્ડ ડિસ્ક સહીત 24.6 લાખની મત્તા સીઝ કરી હતી અને હવાલા ઓપરેટર પંકજ અગ્રવાલ તેના બે સેલ્સમેન આશુતોષ અને નંદ કુમારની ધરપકડ કરવામાં આવી હતી.

   પંકજ અગ્રવાલનું હવાલા નેટવર્ક જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે કહ્યું હતું કે પંકજને ત્યાં 4 કલાકની રેડ ચાલી હતી જેમાં હવાલા ટ્રાન્ઝેકશન માટે 15 લોકોના ફોન આવ્યા હતા. પંકજ અગ્રવાલ રોજના 10 કરોડની રકમનો હવાલો દેશ વિદેશમાં પાડે છે. તે 1 લાખ દીઠ રૂપિયા 500 કમિશન પેટે વસુલ કરે છે. તેનું હવાલા નેટવર્ક મુંબઇ, દિલ્હી, કોલકત્તા, બેંગ્લોર ઉપરાંત દરેક મેજર સિટી અને વિદેશમાં સિંગાપોર, નેપાળ, મિડસ ઇસ્ટમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે. પંકજ અગ્રવાલ હવાલા રેકેટના મોટા કૌભાંડનો એક ભાગ છે એમ પોલીસે કહ્યું હતું.

(9:06 am IST)