Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોરોના મહામારી વચ્‍ચે ઇન્‍કમટેક્‍સ રિટર્ન અને ટેક્‍સ ઓડિટ રિપોર્ટની મુદ્દત લંબાવવાની અરજી મુદ્દે 12 જાન્‍યુઆરી સુધીમાં નિર્ણય કરવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ઈન્કમટેક્સ રિટર્ન અને ટેક્સ ઓડિટ રિપોર્ટની મુદ્દત લંબાવવામાં આવે તેવી માંગ સાથે દાખલ કરાયેલી અરજી પર જસ્ટિસ જે.બી. પારડીવાલા અને ઇલેશ વોરાએ કેન્દ્રીય નાણાં મંત્રાલયને 12મી જાન્યુઆરી સુધી આ મામલે નિણર્ય લેવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટેની ડિવિઝન બેંચે કહ્યું કે, કોઈપણ નિણર્ય લેતા પહેલા કોરોના મહામારીને લીધે ટેક્સ વિભાગના અધિકારીઓને 31મી માર્ચ 2021 સુધી લંબાવી આપી છે. તેને ધ્યાનમાં લેવી જોઈએ અને જો આવું છે, તો કાયદાની આધીન રહીને યોગ્ય રાહત અંગે નિણર્ય લેવો જોઈએ.

કોર્ટે આ કેસમાં CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ) અને કમિશનર ઓફ ઇન્કમ ટેક્સના વકીલોને આ કેસમાં કોઈ નિર્ણય લેવાય તો આગામી મુદત સુધીમાં જાણ કરવાનો આદેશ કર્યો હતો. કોર્ટે કેન્દ્રીય નાણાં મંત્રાલયને 12મી ઓક્ટોબરના આવેદન પત્ર અંગે પણ કાયદાની આધીન રહીને યોગ્ય નિણર્ય લેવાનો નિર્દેશ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે, કેન્દ્રીય નાણાં મંત્રાલય આ મુદ્દે જે પણ નિણર્ય લે તેમાં કરદાતાઓને હેરાનગતિનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. આ મામલે વધુ સુનાવાની 13મી જાન્યુઆરી 2020ના રોજ થવાની શકયતા છે.

જણાવી દઈએ કે, હાલમાં જ આવકવેરા વિભાગ દ્વારા નાણાંકીય વર્ષ 2019-20 ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત 31મી ડિસેમ્બરથી વધારીને 10મી જાન્યુઆરી 2021 કરવામાં આવી છે. આ ઉપરાંત એવી કંપનીઓ કે જેમને ઇન્કમટેક્સ ફાઇલ કરવા માટે ઓડિટ રિપોર્ટની જરૂર પડે છે તેમના માટે નાણાંકીય વર્ષ 2020-21ની ઇન્કમટેક્સ રિટર્નની મુદત વધારીને 15મી ફેબ્રુઆરી 2021 કરવામાં આવી છે.

(5:23 pm IST)