Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

છોટા ઉદેપુરના કવાંટની હાઇસ્‍કુલમાં મેદાનમાં ગેરકાયદે બાંધકામ અટકાવવા વિદ્યાર્થીઓને અવાજ ઉઠાવવો પડ્યો : રેલી સાથે આવેદન

વડોદરા, તા. 9 જાન્યુઆરી 2018 મંગળવાર : છોટાઉદેપુરના કવાંટ તાલુકાની ઈંગ્લીશ હાઇસ્કુલમાં શાળા ટ્રસ્ટી મંડળ દ્વારા દુકાનોનું બાંધકામ શરુ કરતા આજે વિદ્યાર્થીઓએ ચાલુ શાળાએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને બાંધકામ રોકવા માટે આવેદનપત્ર આપ્યું હતું . અત્યાર સુધી નેતાઓ, આગેવાનો સામાજિક સંસ્થાઓને આવેદન આપતા જોઈ હશે પણ આજે શાળાના બાળકો પોતાના વિસ્તારના મામલતદાર અને તાલુકા વિકસ અધિકારીને આવેદન આપવા પહોચ્યા હતા. આદિવાસી વિસ્તારમાં એક તરફ સરકાર સારા શિક્ષણની વાત કરે છે ત્યારે બીજી તરફ શાળા સંચાલકોની મનમાની સામે વિદ્યાર્થીઓ અવાજ ઉઠાવવો પડે છે. છોટાઉદેપુર જીલ્લાના કવાંટ તાલુકામાં આવેલી અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં તાલુકાના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે શાળામાં મોટું મેદાન પણ આવેલું છે. મેદાનના સ્થળે બાહરના ભાગે શાળા ટ્રસ્ટી મંડળ દ્વારા ગત ઓક્ટોબર માસથી દુકાનોનું બાંધકામ ગેરકાયદે રીતે શરૂ કરવામાં આવ્યું હતું. શાળાના મેદાનમાં બાંધકામ થવા વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો પણ ખાનગી શાળાના ટ્રસ્ટીઓ દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. આજે વિદ્યાર્થીઓ દ્વારા શાળાનો સમય પૂર્ણ થયા બાદ રેલી સ્વરૂપે નીકળી અને તાલુકા મામલતદાર કચેરી પહોચ્યા હતા. જ્યાં તેઓએ મામલતદારને આવેદનપત્ર આપી અને ગેરકાયદે બાંધકામને તોડી પાડવા રજૂઆત કરવામાં આવી હતી. શાળાના ગણવેશ સાથે બાળકોની નીકળેલી રેલી જોઇને નગરમાં ભારે ચર્ચા જાગી હતી. ત્યાર બાદ રેલી તાલુકા વિકાસ અધિકારીની કચેરી પર પહોચી હતી જ્યાં વિદ્યાર્થીઓ આવેદન આપી શાળા નજીક મેદાનમાં થઇ રહેલા બાંધકામને અટકાવવા માટે રજૂઆત કરી હતી. મામલે તાલુકા વિકાસ અધિકારી હસમુખભાઈને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે મામલે અગાઉ પણ આમરી પાસે ફરિયાદ આવી હતી અને જે મામલે શાળા સંચાલકોને અગાઉ નોટીસ આપવામાં પણ આવી હતી. પણ તેમ છતાય શાળા સંચાલકો દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. આજે રજૂઆત કરવા અઆવેલા વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે શાળાની બહાર દુકાનો આવશે તો દુકાનોમાં પણ પડીકી અને ગુટખા પણ વેચાણ થશે જ્જેના કારણે શાળાના વિદ્યાર્થીઓ પર ખરાબ અસર પડશે. ઉપરાંત શાળાના રમત ગમતના મેદાનમાં બાંધકામ થતા મેદાન પણ નાનું થઇ જશે. તાલુકા વિકાસ અધિકારીએ મામલે શાળાના ટ્રસ્ટી મંડળને નોટીસ આપી અને બાંધકામ તાત્કાલિક ધોરણે અટકાવી અને પોતાના ખર્ચે થયેલું બાંધકામ તોડી પાડવા માટે પત્ર લખી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.

(4:10 pm IST)