Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

યાત્રામાં જતાં દલિત અધિકારી મંચના કિરીટ રાઠોડને અટકાવાયા

કોંગ્રેસીની પ્રતિકાર રેલીમાં જોડાવવાના હતા : યાત્રા જતા અટકાવ્યા બાદ દલિત અધિકાર મંચ દ્વારા અમદાવાદ હાઇવે પર સુત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતોે

અમદાવાદ, તા. ૭ : અમદાવાદ કોચરબ આશ્રમ થી ગાંધીઆશ્રમ સુધીની પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુપીના હાથરસમાં બનેલ ગેંગરેપની ઘટના વિરોધમાં અને હાથરસ પીડિતાના ન્યાય અને સન્માન માટે યોગી સરકાર સામે પ્રતિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે   ધારાસભ્ય નૌષાદભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ મેવાણી તેમજ કિરીટ રાઠોડ (સંયોજક. દલિત અધિકાર મંચ) ના વિવિધ અગ્રણીઓ દ્વારા પ્રતિકાર યાત્રામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રતિકાર યાત્રામાં જોડાવવા માટે વિરમગામથી દલિત અધિકાર મંચના અગ્રણીઓ કિરીટ રાઠોડ, નવઘણ પરમાર, રમેશ પરમાર, હરેશ રત્નોતર, હાર્દિક રાઠોડ, યોગેશ ડોરિયા જતા હતા ત્યારે જખવાડા  ગામેથી વિરમગામ ગ્રામ્ય પોલીસનો કાફલો આવી ગયો હતો અને અગ્રણીઓને પ્રતિકાર યાત્રામાં જતા અટકાવ્યા હતા. જેથી દલિત અધિકાર મંચના અગ્રણીઓ દ્વારા અમદાવાદ હાઇવે સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

           બાદમાં તમામને પોલીસ દ્વારા અટકાયત કરીને વિરમગામ રૃરલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ બાબતે કિરીટ રાઠોડ દલિત અગ્રણીએ જણાવ્યું કે યુપીની યોગી સરકાર દલિતો ઉપર થતી હિંસા અટકાવવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે ગુજરાતની રૃપાણી સરકાર પણ ખેડૂતો, દલિતો, મહિલાઓને પણ બંધારણીય રીતે પોતાની રજુઆત કરતા પણ અટકાવે છે જેને વખોડવામાં કાઢવામાં આવ્યું. અને  સમગ્ર દલિત, આદિવાસી, ઓબીસી અને મહિલાઓમાં ઉગ્ર રોષ હોઈ આગામી દિવસોમાં ગામડે ગામડે કાર્યક્રમો યોજવામાંની પણ જાહેરાત કરી છે

(9:39 pm IST)