Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સાબરકાંઠા જીલ્લાના હાથમતી નદીના પુરમાં પશુઓ તણાયાઃ ઉત્તર-મધ્‍ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

એક બાજુ લમ્‍પી વાયરસ ને બીજી બાજુ વરસાદી કહેરથી પશુપાલકો હેરાન

સાબરકાંઠાઃ જીલ્લાની હાથમતી નદીના પુરના પ્રવાહમાં પશુઓ તણાતા પશુપાલકોની સ્‍થિતિ કફોડી ગઇ છે.

રાજ્યમાં વરસાદની બીજી ઇનિંગ શરૂ થઇ છે. ત્યારે અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે તો વળી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારે વરસાદને કારણે નદી-નાણા છલી વળ્યા છે. જેમાં મુંગા પશુઓની હાલત કફોડી બની છે.

એકબાજુ લમ્પી વાયરસનાં કારણે હજારો મુંગા પશુઓ મોતને ભેટ્યા છે. ત્યારે ભારે વરસાદને કારણે અનેક પશુઓ પાણીનાં પ્રવાહમાં તણાતા નજરે પડે છે. રાજ્યમાં અનેક જગ્યાએ નદી-નાળા છલકી ગયા છે તો રસ્તાઓ પણ નદીઓમાં ફરી વળ્યા છે.ત્યારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો બે દિવસ પહેલા જિલ્લાનાં અનેક તાલુકામાં વરસાદ પડ્યો હતો.

મળતી માહિતી મુજબ સાબરકાંઠા જીલ્લાના જળાશયમાં શનિવારે સવારે 8 વાગે હાથમતી જળાશયમાં 250 કયુસેક, હરણાવ જળાશયમાં 50 કયુસેક, ખેડવા જળાશયમાં 280 કયુસેક પાણીની આવક નોધાઇ હતી. ત્યારે હિંમતનગરની હાથમતી નદીમાં નવા નીર આવતા પાણીનો પ્રવાહ વધ્યો હતો. આ પાણીના પ્રવાહમાં પશુઓ તણાયા હતા. મુંગા પશુઓ પાણીના પ્રવાહમાં તણાઇ જતા પશુપાલકો ચિંતિત બન્યા હતા. પાણીનાં પ્રવાહમાં પશુઓ નિકળવાની કોશીશ કરી રહ્યા હતા. પરંતુ નિકળી ન શક્યા અને તણાય ગયા હતો જેનો વિડીયો સામે આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અત્યારસુધીમાં સરેરાશ 59% વરસાદ નોંધાયો છે. ​​​​​​​​​સૌથી વધુ હિમતનગર તાલુકામાં 68.90 ટકા અને સૌથી ઓછો પ્રાંતિજ તાલુકામાં 44.91 ટકા વરસાદ નોંધાયો છે.

(6:00 pm IST)