Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

દેશની સૌથી મોંઘી રાખડી : કિંમત ૫ લાખ રૂપિયા

સુરતની એક દુકાનમાં એક રાખડી લોકોના આકર્ષણનું કેન્‍દ્ર બની : રાખડી બાંધ્‍યા પછી તમે વિચારશો કે તેને ઘરમાં રાખવી કે લોકરમાં રાખવી

નવી દિલ્‍હી તા. ૮ : કોરોના પીરિયડ પછી આ વર્ષે લોકો દરેક તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે. તેમાંય જેમ જેમ રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ તેમ રાખડીની  માંગ પણ વધી રહી છે. કોઈ તેના ભાઈ માટે દૂર-દૂરથી રાખડી મોકલી રહ્યું છે તો કોઈ બહેન તેના ભાઈ માટે સૌથી સુંદર રાખડી શોધી રહી છે. રાખડીની દુકાનો પર ઘણી ખરીદી થઈ રહી છે. તેવી જ રીતે, ગુજરાતમાં સુરતની એક દુકાનમાં એક રાખડી લોકોના આકર્ષણનું કેન્‍દ્ર બની રહી છે. તેનું કારણ રાખડીની કિંમત  છે. સુંદર દેખાતી આ રાખીની કિંમત ૫ લાખ રૂપિયા છે.

સુરતની આ દુકાનમાં દેશની સૌથી મોંઘી રાખડી તૈયાર કરવામાં આવી છે. આ દુકાનમાં દોરાથી લઈને સોના, ચાંદી, પ્‍લેટિનમથી લઈને હીરા જડેલી તમામ પ્રકારની રાખડીઓ મળી રહે છે અને લોકો આ રાખડીઓની સુંદરતા અને ડિઝાઇનના વખાણ કરી રહ્યા છે.

આ દુકાનમાં એક રાખડી છે, જે અત્‍યાર સુધીની સૌથી મોંઘી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્‍દ્ર રહે છે. આ રાખડીની કિંમત ૫ લાખ રૂપિયા છે. રાખડીની  કિંમત સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ આ સત્‍ય છે. અગાઉ, રક્ષાબંધનના તહેવાર પર, ફક્‍ત બહેનો જ તેમના ભાઈઓના કાંડા પર રેશમના દોરાની રાખડી બાંધતી હતી, જો કે ગ્રામીણ વિસ્‍તારોમાં આ પ્રથા હજી સમાપ્ત થઈ નથી. પરંતુ શહેરી વિસ્‍તારોમાં બદલાતા સમયના કારણે રાખડીઓની વ્‍યાખ્‍યા બદલાઈ ગઈ છે.

રક્ષાબંધનના તહેવારને ધ્‍યાનમાં રાખીને ગુજરાતના સુરતમાં દેશની સૌથી મોંઘી રાખડી તૈયાર કરવામાં આવી છે. જવેલરી શોપના માલિકે જણાવ્‍યું હતું કે, ‘અમારા દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ રક્ષાબંધન પછી ઘરેણાં તરીકે પણ પહેરી શકાય છે. અમે દર વર્ષે આ પવિત્ર તહેવારને નવી રીતે ઉજવવાનો પ્રયાસ કરીએ છીએ.'

સ્‍થાનિક ગ્રાહક સિમરન સિંઘે જણાવ્‍યું હતું કે, ‘સુરતના આ જવેલરી શોરૂમમાં સોના, ચાંદી અને પ્‍લેટિનમમાંથી વિવિધ પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી છે. આ શોરૂમમાં રક્ષાબંધનના તહેવાર માટે રૂ. ૪૦૦ થી રૂ. ૫ લાખ સુધીની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે અને તમામ ઉત્તમ છે.'

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના સંબંધને દર્શાવતો મહત્‍વનો તહેવાર છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈ પાસેથી રક્ષણનું વચન લે છે અને બદલામાં ભાઈ વચન આપીને કંઈક ભેટ આપે છે. પરંતુ આ રાખડી બાંધ્‍યા બાદ બહેન તરફથી ભાઈને મોટી ભેટ મળી શકે છે.

તે જ સમયે, અગાઉ વર્ષ ૨૦૧૮ માં, નાસિકના એક જવેલરે તે વર્ષની સૌથી મોંઘી રાખડી રજૂ કરી હતી. જયેશે તે વર્ષે ૨.૫ લાખ રૂપિયાની રાખડી બનાવી, જે ૨.૫ કેરેટના હીરામાંથી બનાવવામાં આવી હતી. ત્‍યારે જયેશે દાવો કર્યો હતો કે રાખડી બનાવવામાં લગભગ ૨૫ દિવસનો સમય લાગ્‍યો છે અને તેમાં અલગ-અલગ ચમકતા હીરા જડવામાં આવ્‍યા છે. જો કે, અત્‍યાર સુધી આ વર્ષની સૌથી મોંઘી રાખડી વિશે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ એવું થશે કે કોઈ જવેલર્સ આવી રાખડી પોતે અથવા ખાસ ઓર્ડર પર બનાવતા હોય.

(10:42 am IST)