Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

ગુજરાત પોલીસ શાર્પ, સ્માર્ટ અને ફીટ રહે તે સરકારનો મંત્ર : ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા

કોરોના સમયમાં ૧.૩૫ લાખ પોલીસ અધિકારી / કર્મચારીઓએ ફરજ બજાવી અને ૫,૯૬૬ સંક્રમિત થયા

અમદાવાદ :ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાત પોલીસ શાર્પ, સ્માર્ટ અને ફીટ રહે તે સરકારનો મંત્ર છે.

 વિધાનસભા ગૃહમાં સુરત જિલ્લાના SRP ગ્રુપવાવ ખાતેના પોલીસ પરિવારની આરોગ્ય ચકાસણી અંગેનો ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં વાવના તાબા હેઠળના પોલીસ પરિવારના ૨,૯૬૨ અધિકારી, કર્મચારી અને કુંટુંબીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. જેમાં ૧,૮૬૭ પોલીસ અધિકારી, ૩૮૪ બાળકો અને ૬૪૪ મહિલાઓનો તથા ૬૭ જેટલા વહીવટી સ્ટાફ મળીને કુલ ૨,૯૬૨ લોકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી છે. 

   ફીક્સ પગારમાં પોલીસમાં ફરજ બજવતા કર્મચારીઓને પણ તબીબી સારવાર હાલ માં-વાત્સલ્ય યોજનાની પેટર્ન મુજબ ‘મા કર્મયોગી’’ યોજના હેઠળ કેસલેસ સારવાર આપવા રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૬ના ઠરાવથી નિર્ણય કરવામાં આવેલો છે. માં વાત્સલ્ય યોજના હેઠળ રૂા. ૩ લાખની કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદામાં સુધારો કરી રૂા. ૪ લાખ વાર્ષિક આવક મર્યાદા કરી માં વાત્સલ્ય યોજનાની તમામ લાભાર્થી પરિવારોને પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના અંતર્ગત તેમના કુટુંબીજનોને રૂા. ૫ લાખ સુધીની સારવારના લાભ આપવામાં આવે છે. 

  કોરોના સમયમાં ૧ લાખ ૩૫ હજાર પોલીસ અધિકારી – કર્મચારીઓએ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી છે. લોકડાઉન, કરફ્યૂ તેમજ અનાજ વિતરણ સહિતની બાબતોમાં કાયદો અને વ્યવસ્થા જાળવણીની બાબતો સંભાળી હતી. જેમાંથી ૫,૯૬૬ અધિકારી / કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. અને ૬૨ જેટલાએ જીવ ગુમાવ્યા છે. કોરોના સમયમાં સંક્રમિત અને જીવ ગુમાવનાર પ્રત્યેક પોલીસ અધિકારી  / કર્મચારીઓના પરિવારને મદદ કરવા સારૂ સરકારશ્રીના ધારાધોરણ અનુસાર રૂા. ૨૫ લાખ તેમના પરિવારજનોને આપવાની પ્રક્રિયા ચાલી રહી છે.

(7:22 pm IST)