Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

મહિલાઓએ ક્‍યારેય હિંમત ન હારવી જોઇએ, ગમે તેવી પરિસ્‍થિતિમાં પગભર થવુ જોઇએઃ વડોદરાના 95 વર્ષના કાશીબાની આંતરરાષ્‍ટ્રીય મહિલા દિને પ્રેરક વાત

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના 96 વર્ષના કાશીબાકમરથી વાંકા વળીને ચાલે છે, છતાં તે તમામ યુવાનોને શરમાવે તે રીતે કામ કરે છે. તમામ મહિલાઓ માટે રોલ મોડલ છે કાશીબા વડોદરાની એમ એસ યુનિવર્સિટીનો કોઈ એવો વિધાર્થી નથી જે કાશીબાને ના ઓળખતો હોય. ત્યારે કોણ છે કાશીબા અને કેમ તમામ મહિલાઓ માટે આદર્શરૂપ છે કાશીબા. વિશ્વ મહિલા દિવસે જુવો અમારો આ વિશેષ અહેવાલ...

વડોદરાના કમાટીબાગની સામે જય અંબે નાસ્તા હાઉસ નામથી 96 વર્ષના કાશીબા લારી ચલાવે છે. કાશીબાના પતિ રાયસિંહભાઈનું અવસાન થયા બાદ ચાની લારી કોણ ચલાવશે તે સૌથી મોટો સવાલ હતો ત્યારે કાશીબાએ હિંમત ના હારી પોતે ચાની લારી ચલાવવાનો નિર્ણય કર્યો. કાશીબા છેલ્લા 40 વર્ષથી પોતે ચાની લારી ચલાવે છે અને ઘરનું ગુજરાન કરે છે.

96 વર્ષના કાશીબા રોજ સવારે 6 વાગે ઉઠી પોતાની ચાની લારી પર આવી જાય છે અને સાંજે 5 વાગ્યા સુધી કામ કરે છે. તેવો પોતે ચા બનાવે છે અને ગ્રાહકોને પણ પોતે જ પીરસે છે. કાશીબા ને તેમનો પૌત્ર મયુર સોલંકી કામકાજમાં મદદ કરે છે સાથે જ તેમને લારી પર કારીગર પણ રાખ્યા છે. કાશીબાના પુત્રનું પણ અવસાન થયું છે. જેથી તે અને તેમનો પૌત્ર મળીને લારી ચલાવે છે.

કાશીબા કહે છે કે મહિલાએ ક્યારેય હિંમત ના હારવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી પગભગ થવું જોઈએ. જ્યારે તેમનો પૌત્ર કહે છે કે દાદી ને જોઈ કામ કરવાની ધગશ વધી જાય છે. દાદી દરેક માટે પ્રેરણારૂપ છે.

કાશીબા 40 વર્ષ પહેલાં 2 રૂપિયે ચા વેચતા હતા, હવે 10 રૂપિયાનો એક કપ ચા વેચે છે. કમાટીબાગ માં મોર્નિંગ વોક કરવા આવતા મોટાભાગના લોકો કાશીબા ની ચાની ચુસ્કી મારે છે, તેમજ દર વર્ષે કાશીબાનો જન્મદિવસ પણ ઉજવે છે. કાશીબાની ચાની કરી પર વર્ષોથી ચા પીવા આવતા યુવાનો કહે છે કે, કાશીબા માત્ર મહિલાઓ માટે નહિ પરંતુ તમામ લોકો માટે પ્રેરણારૂપ છે. જ્યારે એક વૃદ્ધ કહે છે કે કાશીબા તમામ લોકો માટે રોલ મોડલ છે. એમની કામ કરવાની ધગસ જોઈ લોકોએ તેમનાથી શીખવું જોઈએ.

(5:22 pm IST)