Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સરકાર ૧૬મીથી ટેકાના ભાવે ઘઉં ખરીદશે

હેકટર દિઠ ૨૮૯૪.૯૪ કિલોની મર્યાદામાં ખરીદીઃ ૧૦૦ કિલોના ભાવ રૂ. ૧૯૭૫

રાજકોટ, તા. ૮ :. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ અંગે નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ નયના પટેલની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

રૂ. ૧૯૭૫ કિવંટલ લઘુતમ ટેકાના ભાવે ઘઉંની પ્રાપ્તિ તા. ૧૬-૩ થી તા. ૩૧-૫ સુધીના સમયગાળામાં ઈ-પ્રોકયોરમેન્ટ પદ્ધતિથી કરવાની રહેશે. જરૂર પડયે ઘઉંની પ્રાપ્તિનો સમયગાળો લંબાવવા માટે સમયસર આ વિભાગને દરખાસ્ત કરવાની રહેશે. જિલ્લા કક્ષાએ ઘઉંની પ્રાપ્તિ અંગે જરૂરી આયોજન હાથ ધરી કલેકટર દ્વારા જરૂરી અહેવાલ મેનેજીંગ ડીરેકટર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી.ને કરવાનો રહેશે. પ્રાપ્ત કરવામાં આવેલ ઘઉંનો જથ્થો તા. ૧-૬-૨૦૨૧થી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણમાં મુકવાનો રહેશે. રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૧-૨૨ દરમ્યાન ૧,૫૦,૦૦૦ (એક લાખ પચાસ હજાર) મે. ટન ઘઉંની પ્રાપ્તિનો લક્ષ્યાંક-અંદાજ નક્કી કરવામાં આવે છે.

લઘુતમ ટેકાના ભાવે ઘઉંની પ્રાપ્તિ કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલ યુનિફોર્મ સ્પેસિફિકેશન મુજબ કરવાની રહેશે. દરેક ખરીદ કેન્દ્ર ખાતે રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવી રહેલ છે તે અંગેનું બેનર લગાવવાનું રહેશે. જેમાં લઘુતમ ટેકાના ભાવની ખરીદ કિંમતે એફ.એ.કયુ. સામાન્ય ગુણવત્તા ધરાવતો જથ્થો ખરીદવામાં આવશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. અન્ય ખરીદ કેન્દ્રો ખાતે ટેકાના ભાવ કરતા નીચા ભાવે વેચાણ થવાના કિસ્સામાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહેલ છે તે બાબતની જાણ કરી એફ.એ.કયુ. કવોલીટી મુજબનો જથ્થો ખરીદવાની કાર્યવાહી પુરવઠા નિગમે કરવાની રહેશે. જે કિસ્સામાં ખેડૂતનો જથ્થો એફએકયુ કવોલીટી મુજબનો ન હોય અને આવો જથ્થો લઘુતમ ટેકાના ભાવે ખરીદી શકાય તેમ ન હોય તો એવા જથ્થાનું સેમ્પલ લઈ આ જથ્થો કયા કારણથી ખરીદી શકાય તેમ નથી ? તેની નોંધ સહિત ખેડૂતનું નામ, સરનામુ તેમજ તેના દ્વારા ઓફર કરવામાં આવેલ જથ્થાની વિગતની નોંધ રાખવાની રહેશે.

ઘઉંના જથ્થાના સંગ્રહ માટે ૫૦ કિલોગ્રામ ભરતીવાળા પુરતા બારદાનની વ્યવસ્થા નિગમે કરવાની થશે. એચડીપીઈ/પીપી બેગનો ઉપયોગ કરવાના કિસ્સામાં જથ્થાની હેરફેર તથા પેકીંગમાં હુકનો ઉપયોગ થાય નહી તેની તકેદારી રાખવાની રહેશે. લઘુતમ ટેકાના ભાવે ઘઉંની પ્રાપ્તિ માત્ર ગુજરાત રાજ્યના ખેડૂત પાસેથી ગુજરાતમાં ઉત્પાદિત ઘઉં પૈકી જ કરવાની રહેશે. ખેડૂતોએ પીએફએમએસમાં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જેમા ખેડૂતોને ચુકવણા કરવા માટે કેન્દ્ર સરકારના પીએફએમએસ પોર્ટલ દ્વારા માન્ય કરેલ બેંકમાં ખેડૂતનું ખાતુ હોવુ જરૂરી છે. ખેડૂતોએ પોતાના બેંક એકાઉન્ટની વિગતો આઈએફએસસી કોડ સાથે અથવા કેન્સલ કરેલ ચેકની નકલ આપવાની રહેશે.

કૃષિ નિયામકશ્રીની કચેરી દ્વારા મળેલ વિગતો મુજબ રવિ માર્કેટીંગ સિઝન ૨૦૨૦-૨૧ (રવિપાક વર્ષ ૨૦૧૯-૨૦)ના ફાઈનલ એડવાન્સ અંદાજિત રીપોર્ટ મુજબ ઘઉંનુ પ્રતિ હેકટર ઉત્પાદન ૩૨૬૭.૮૩ કિ.ગ્રા. છે. આથી હેકટર દીઠ ૨૮૯૪.૯૪ કિ.ગ્રા.ની મર્યાદામાં ઘઉંની પ્રાપ્તિ કરવાની રહેશે. ખેડૂતો પાસેથી જ્યારે જથ્થો પ્રાપ્ત કરવામાં આવે ત્યારે તે અંગેની નોંધ ખેડૂતપોથીમાં કરવાની રહેશે તેમજ રોજેરોજ ખરીદેલ જથ્થા તથા ચુકવણાની વિગતો રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવાની રહેશે.

(5:00 pm IST)