Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

અંકલેશ્વર GIDCમાં દારૂને સંતાડવા ગોડાઉન ભાડે રાખ્યું :શટર તોડતા રૂ.44.60 લાખનો જથ્થો મળ્યો

પોલીસે શટર ઊંચું કરતા જ દારૂની પેટીઓનો ખડકલો જોઈ ચોંકી ઉઠી : પોલીસે દારૂની 32,424 અને બિયરના 1440 ટીન કબ્જે કર્યા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં હવે લીકર સપ્લાયર અને બુટલેગરોએ દારૂના વેપલા માટે ગોડાઉન ભાડે રાખ્યા હોવાનો ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર GIDC પોલીસને વિહિતા કેમ ચોકડી નજીક આવેલા ગોડાઉનમાં દારૂનો જથ્થો સંતાડેલો હોવાની બાતમી મળી હતી. બાતમી આધારે PI જાડેજા, PSI એમ.એલ.સૈયદ સહિત પોલીસ ફોર્સ ગોડાઉન નજીક પોહચતા તે બંધ મળ્યું હતું. ગોડાઉન માલિકનો નંબર લઈ કોલ કરતા GIDC ની ગજાનંદ સોસાયટીમાં રહેતા અશ્વિન પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા.

 

પોલીસે ગોડાઉનની ચાવી માંગતા તેમની પાસે નહિ હોવાનું જણાવતા માલિકની હાજરીમાં જ ગોડાઉનનું તાળું તોડાયું હતું. પોલીસે શટર ઊંચું કરતા જ દારૂની પેટીઓનો ખડકલો જોઈ ચોંકી ઉઠી હતી. જે અંગે ગોડાઉન માલિકને પૂછતાં તેને 10 દિવસ પેહલા જ આ ગોડાઉન ₹18 હજારના માસિક ભાડે નિશાર કલાલખાન પઠાણને આપ્યું હોવાનું કહ્યું હતું. આધાર કાર્ડ અને અન્ય કાગળોમાં ભાડે ગોડાઉન લેનાર નિશાર પઠાણનું સરનામું 34, હાજા રો હાઉસ, નરોલી રોડ, બોમ્બે હોટલ, અમદાવાદ બતાવ્યું છે. હવે પોલીસને એ પણ શક થઈ રહ્યો છે કે આ સરનામું અને નામ અસલી છે કે નહીં.

બીજી તરફ દારૂની વિવિધ બ્રાન્ડની 32424 બોટલો અને બિયરના 1440 ટીન ગણતા ગણતા પોલીસના કલાકો નીકળી ગયા હતા. પોલીસે કુલ રૂપિયા 44.60 લાખના દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. નિશાર પઠાણ નામની વ્યક્તિ ઝડપાયા બાદ જ આ દારૂ ક્યાંથી આવ્યો હતો, ક્યાં મોકલવાનો હતો. કેટલા સમયથી આ રીતે લિકરનો વેપલો થતો હતો. તેમજ કોણે મોકલો અને કોણે મંગાવ્યો હતો. તેમજ આ વેપલામાં અન્ય કોણ આરોપીઓ છે. તેની હકીકતો બહાર આવશે. જીઆઇડીસી પી.આઈ. એ.કે.જાડેજા હાલ વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

(8:44 pm IST)