Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જાસૂસીકાંડમાં બે બુટલેગરો સહિત બન્ને કોન્સ્ટેબલો સામે આજીવન એક વર્ષથી આજીવન કેદ સુધી સજાની જોગવાઈઓ કરતી કલમો લગાવાઈ

ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચના LCB ના 2 કોન્સ્ટેબલોના બુટલેગરો માટે પૈસા લઈ પોલીસની જ જાસૂસી કરી

.ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચના LCB ના 2 કોન્સ્ટેબલોના બુટલેગરો માટે પૈસા લઈ પોલીસની જ જાસૂસીકાંડમાં બે બુટલેગરો સહિત બન્ને અપરાધી કોન્સ્ટેબલો સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં લગાવવામાં આવી છે.

 

ભરૂચ LCB માં વર્ષોથી ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીએ પૈસા માટે પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનીટરીંગ સેલ SMC ની બુટલગરો ઉપર રેઇડ નિષ્ફળ જતા SP નિરલીપ રાયને શંકા ગઈ હતી. તેઓએ DYSP કે.ટી. કામરીયા સાથે તપાસ કરતા ભરૂચ LCB ના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસના જ લોકેશનો બુટલેગરોને પોહચાડવામાં ભૂમિકા સામે આવી હતી.

 

SMC એ આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન DGP આશિષ ભાટિયાને કરતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે તત્કાલ એક્શન લઈ બન્ને પૈસા માટે બુટલેગરોના હાથે વેચાય ગયેલા પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા. ખૂબ જ ગંભીર ગુનાહિત કૃત્ય અંગે ભરૂચ SP એ તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને પોતાની સીધી દેખરેખ હેઠળ સોંપી હતી. DYSP દ્વારા 18 દિવસ કરતા વધુની સઘન તપાસ બાદ આજે બી ડિવિઝનમાં SOG પીઆઇ આનંદ ચૌધરીએ બન્ને કોન્સ્ટેબલ અને બુટલેગરો સામે ફરિયાદ નોંધાવી છે.

 

પબ્લિક સેવક અને પોલીસમાં જ રહી પોલીસની જ જાસૂસી બુટલેગરો માટે કરતા બન્ને કોન્સ્ટેબલ, બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ પરેશ ચૌહાણ ઉર્ફે ચકા સામે એક વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જોગવાઈની વિવિધ કલમો લગાવવામાં આવી છે.

 

જેમાં IPC 409 આજીવન કેદની જોગવાઈ. સરકારી કર્મચારી દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત. કલમ 116 ગુનો કરવામાં મદદગારી, સરકારી કર્મચારીને લાંચ આપી સરકારી અધિકારીઓ સામે જ ગુનાહિત કામગીરી.

કલમ 119 પબ્લિક સર્વન્ટ તરીકે મદદગારી, ફરજ અને માહિતીનો દુરુપયોગ. 201 પુરાવા નાશ કરવા, 166 (એ) સરકારી કર્મચારી તરીકે પોતાની ફરજ નહિ નિભાવી ગુનાહિત કામગીરી. 120 (બી) ગુનાહિત ષડયંત્ર, 114 મદદગારી, આઇટી એક્ટ તેમજ ભ્રષ્ટાચારની કલમો 13(1) (ક) અને 13 (2) પ્રજાના સેવકે લાંચ લઈ બજાવેલી ફરજમાં 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. આ કલમો હેઠળ આરોપીઓને સ્પેશ્યલ કોર્ટમાંથી જ જામીન મળી શકે તેમ છે. હાલ આ અંગે તપાસ DYSP સી.કે.પટેલને સોપાઈ છે.

(8:21 pm IST)