Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગાંધીનગરના સે-13માં સિમેન્ટના ગોડાઉનમાં મજુર પર ટ્રેલર ફરી વળતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર-૧૩માં આવેલા સીમેન્ટના ગોડાઉનમાં ગઇકાલે જમ્યા બાદ આરામ કરી રહેલા મજુર ઉપર ટ્રેલરના ચાલકે રીવર્સ લેવા જતા ટ્રેલર ચઢાવી દિધું હતું જેના કારણે યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા ગાંધીનગર સિવિલથી અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. જે મામલે ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૩માં સીમેન્ટ કંપનીનું ગોડાઉન આવેલું છે અને તેમાં અલગ અલગ રાજ્યમાંથી મજુરો કામ અર્થે આવતો હોય છે જ્યાં મુળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના સમાહદ ગામના ૩૯ વર્ષિય યુવાન સંજય વિરેન્દ્રસિંહ ચંદેલ પણ તેના ગામના યુવાનો સાથે અહીં મજુરી અર્થે આવ્યો હતો. ગઇકાલે જમ્યા બાદ સંજય ગોડાઉનની દિવાલ પાસે સુઇ રહ્યો હતો. સમયે ટ્રેલર ચાલકે રીવર્સ લેતા સંજયના બન્ને પગ ઉપર ટ્રેલર ફરી વળ્યું હતું અને તેના શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે દોડધામ મચી ગઇ હતી અને તેનો પિતરાઇ ભાઇ રામનરેશ ચંડેલ પણ દોડી આવ્યો હતો જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સંજયને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેની તબીયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ લઇ જવામાં આવ્યો હતો અને સારવાર દરમ્યાન તેનું રાત્રે મોત નિપજ્યું હતું. હાલ તો અકસ્માતની ઘટના અંગે સેક્ટર- પોલીસે ટ્રેલરના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

 

(6:57 pm IST)