Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

અમદાવાદના 2 વિદ્યાર્થીઓ કૌશલ વિજયવર્ગીય અને હર્ષલ સુથારે જેઇઇ મેઇન્‍સની પરિક્ષામાં 100 પર્સેન્‍ટાઇલ મેળવ્‍યા

ગુજરાતમાંથી 80 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી

અમદાવાદઃ અમદાવાદના 2 છાત્રોએ જેઇઇ મેઇન્‍સની પરિક્ષામાં ગુજરાતને ગૌરવ અપાવ્‍યુ છે.

દેશભરમાં જાન્યુઆરી મહિનામાં લેવાયેલી JEE મેઈન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એન્જિનિયરીંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે યોજાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. અમદાવાદના બે વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. 300 માર્કની લેવાયેલી પરીક્ષામાંથી એક પ્રશ્નને બાકાત કર્યા બાદ 296 માર્ક્સમાંથી પરિણામ જાહેર કરાયું છે. અમદાવાદના બે વિદ્યાર્થીઓએ 296માંથી 296 માર્ક્સ મેળવ્યા છે.

દેશભરમાંથી JEE મેઇન્સની 9 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુજરાતમાંથી 80 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશભરમાંથી 8 લાખ વિદ્યાર્થીઓએ બી.ટેક. કરવા માટે અરજી કરી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં દેશભરમાંથી 20 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઇલ મેળવવામાં સફળતા હાસલ કરી છે.

100 પર્સેન્ટાઇલ મેળવનાર અમદાવાદના કૌશલ વિજયવર્ગીય એ જણાવ્યું કે, 10માં ધોરણથી જ તે JEE મેઇન્સની તૈયારી કરતો હતો. હવે JEE એડવાન્સમાં સફળ થવાનું લક્ષ્ય છે. ભવિષ્યમાં IIT બોમ્બેમાં કમ્પ્યુટર સાયન્સ કરવાની કૌશલે ઈચ્છા વ્યક્ત કરી. 100 પર્સેન્ટાઇલ મેળવનાર અમદાવાદના હર્ષલ સુથારે કહ્યું કે તેણે 8માં ધોરણથી JEE માટે તૈયારીઓ શરૂ કરી હતી. રોજના 10 કલાકની મહેનત કરતો હતો.

હર્ષુલે જણાવ્યું હતું કે, જે લોકો JEE માં સફળ થવા માંગતા હોય તેઓ જ્યારે અભ્યાસ કરે એ સમયે જે તે ટોપિક પૂરો કર્યા બાદ જ અન્ય કામ કરે. JEE મેઈન્સ બાદ હવે એડવાન્સમાં ટોપ 100માં આવી આઈઆઈટી બોમ્બેમાં કમ્પ્યુટર સાયન્સ કરવાની ઈચ્છા હર્ષુલે વ્યક્ત કરી.

આ વેબસાઈટ્સ પર જોઈ શકાશે

JEE Mainનું પરિણામ જાહેર થયું છે તમને જણાવી દઈએ કે JEE મુખ્ય પરીક્ષાનો પરિણામ સત્તાવાર વેબસાઇટ્સ - jeemain.nta.nic.in અને ntaresults.nic.in પર જોઈ શકાશે.

(5:08 pm IST)