Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

મુંબઈથી દિલ્હી ૧૨ કલાકમાં પહોંચાશે : ટ્રેનોની ગતિ વધશે

ગુજરાતમાં ૧૪ વિજળીકરણના પ્રોજેક્ટો રહેશેઃ બજેટમાં શ્રેણીબદ્ધ પ્રોજેક્ટોને મંજુરી આપવામાં આવી ચુકી છે : ગુજરાત માટે પણ અનેક પ્રોજેક્ટો મંજુર કરાયા

અમદાવાદ,તા. ૮, મુંબઈ અને દિલ્હી વાયા અમદાવાદ વચ્ચે પ્રવાસનો સમય હાલમાં ૧૬ કલાકનો છે જે ટૂંક સમયમાં જ ઘટીને ૧૨ કલાક થઇ જશે. વર્ષ ૨૦૧૮-૧૯ માટેના બજેટમાં કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. બજેટમાં અભ્યાસ કર્યા બાદ આ વિગત હવે સપાટી ઉપર આવી છે. ટૂંક સમયમાં જ મુંબઈ-વડોદરા-અમદાવાદ-દિલ્હી રુટ પર દોડતી ટ્રેનોની ગતિ ૧૬૦ કિલોમીટર પ્રતિકલાકથી વધારીને ૨૦૦ કિલોમીટર પ્રતિકલાક કરી દેવામાં આવશે. આની સાથે જ ૧૪૫૦ કિલોમીટરની આસપાસનો પ્રવાસ સમય ઘટીને ૧૨ કલાકનો થઇ જશે. હાલમાં વાયા રતલામ અને કોટા મારફતે દિલ્હી જવામાં સમય ૧૬ કલાકનો લાગે છે. અધિકારીઓનું કહેવું છે કે, મુંબઈ અને અમદાવાદ વચ્ચે શતાબ્દી ટ્રેનમાં પ્રવાસનો સમય આશરે બે કલાક ઘટી જશે. હાલમાં વધારે સમય લાગે છે. દિલ્હી અને અમદાવાદ વચ્ચે પ્રવાસ સમય ઘટવા માટે કેટલાક કારણો રહેલા છે. રાજધાની હાલમાં દિલ્હી પહોંચવામાં ૧૪ કલાકનો સમય લે છે પરંતુ હવે તેમાં પણ ઓછો સમય લાગશે. બજેટમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારે મુંબઈ-દિલ્હી રેલવે રુટ ઉપર દોડતી ટ્રેનોની ગતિને વધારવા માટે ૧૧૧૮૮ કરોડ રૂપિયાની ફાળવણી કરી રહી છે. અમદાવાદ-મુંબઈ રુટ ડબલ ટ્રેકમાં છે. એક અગ્રણી અંગ્રેજી અખબારે હાલમાં જ આ અંગેની વિસ્તૃત માહિતી આપ્યા બાદ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. એવું પણ જાણવા મળ્યું છે કે, રેલવે દ્વારા પહેલા અમદાવાદ-દિલ્હી ટ્રેકના વિજળીકરણને મંજુરી આપી હતી. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટમાં રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સરકારે મહેસાણા અને પાલનપુર વચ્ચેના ટ્રેકને ડબલ કરવાને પણ મંજુરી આપી દીધી છે. દિલ્હી-અમદાવાદ ટ્રેક પેન્ડિંગ સ્થિતિમાં રહ્યા બાદ તેમાં ધ્યાન અપાયું હતું. મહેસાણા અને પાલનપુર તથા રાજકોટ અને કાનાલુસ વચ્ચે બે ટ્રેક ડબલ કરવાના પ્રોજેક્ટો ૧૫૪૦ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવશે. બજેટમાં ૧૨ રોડ ઓવરબ્રિજ અને આઠ રોડ અન્ડરબ્રિજને પણ મંજુરી આપવામાં આવી હતી. વાયા મોડાસા મારફતે નડિયાદ-ઉદયપુર રુટ પર નવી લાઈનને લઇને પણ સર્વે કરવામાં આવનાર છે. રેલવે દ્વારા રાજકોટ-જેતલસર-વેરાવળ-સોમનાથ રુટ ઉપર ઇલેક્ટ્રીફિકેશન પ્રોજેક્ટને પણ મંજુરી આપી છે. વિજળીકરણના ૧૪ પ્રોજેક્ટો ગુજરાતમાં હાથ ધરવામાં આવનાર છે. ૧૯૦૨૨૭ કરોડના ખર્ચે ૨૧૪૫ કિલોમીટરના ઇલેક્ટ્રીફિકેશનને મંજુરી અપાઈછે.

(10:09 pm IST)