Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

અમદાવાદના સરદારનગરમાં હત્યાની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ -પથ્થરમારો : મહિલા સહિત 22 આરોપીની ધરપકડ

- પથ્થરમારો અને તોડફોડથી સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ ફેલાઈ ગયું હતું

અમદાવાદના સરદારનગરમાં હત્યાની અદાવતમાં બે જૂથ વચ્ચે ગઈકાલે અથડામણ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિ કાબુમાં લીધી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા હતા. આ પથ્થરમારાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી હતી. પોલીસે બન્ને પક્ષની ક્રોસ ફરિયાદ લઈને મહિલા સહિત 22 આરોપીની ધરપકડ કરી છે

 પથ્થરમારાના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા છે. જેમાં મહિલાઓ પથ્થરમારો કરી રહી છે, જ્યારે પુરુષો તોડફોડ કરતા નજરે પડે છે. આ દ્રશ્યો 5 ડિસેમ્બરના સરદારનગરના નહેરૂનગર વિસ્તાર ના છે. જ્યાં જૂની અદાવતમાં એક જ જૂથના લોકો સામ સામે આવી ગયા અને એક બીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો. પોલીસ એક તરફ ચૂંટણીના બંદોબસ્તમાં વ્યસ્ત હતી, ત્યારે બાવરી સમાજના બે જૂથ વચ્ચે અથડામણ શરૂ થઈ.

પથ્થરમારો અને તોડફોડથી સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ ફેલાઈ ગયું હતું, આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિને કાબુમાં લીધી. એટલું જ નહીં ઈજાગ્રસ્તને પોલીસ જ વ્હીલચેરમાં ઉઠાવીને હોસ્પિટલમાં લઈ ગઈ અને આ જૂથ અથડામણ કેસમાં પોલીસે ગુનો નોંધી મહિલા સહિત 22 જેટલા આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 પથ્થરમારાના કેસમાં પકડાયેલ આરોપી કૌટુંબિક સંબંધ ધરાવે છે. આ પથ્થરમારાના કેસમાં પૂજાબેન વાઘેલા અને મુકેશ સોલંકીની ક્રોસ ફરિયાદ સાથે આરોપીઓ પણ છે. ઘટના એવી છે કે એક વર્ષ પહેલાં દુકાનની અદાવતમાં થયેલા ઝઘડામાં મુકેશ સોલંકીના પિતા અર્જુનભાઈની હત્યાને લઈને પૂજા વાઘેલાના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી

(9:36 pm IST)