Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તૈયારી :રાજ્યના છ મનપાની ચૂંટણી માટે 6 અધિકારીઓની નિમણૂક કરાઈ

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓના ઓર્ડર કરાયા

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી સરળતાથી યોજી શકાય એ માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીની મહાનગરપાલિકાના વોર્ડ દીઠ નિમણૂક કરાઈ છે.

ચૂંટણીપંચ દ્વારા રાજયની 6 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરતમાં ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓના ઓર્ડર કર્યા છે. વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે. હાલ ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ અંગેનું આયોજન ઘડાઈ રહ્યું છે.

ગુજરાતમાં નવેમ્બર માસમાં 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર હતી પરંતુ કોરોનાનું સંક્રમણના કારણે રાજય ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી હોવા છતાં પણ ચૂંટણીને મોકુફ રાખવાનો નિર્ણય લીધો હતો અને ચૂંટણીને ત્રણ મહિના પાછળ ઠેલવવાનું જાહેર કર્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 10 નવેમ્બરના રોજ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ પરિણામ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખો નકકી કરનાર છે. કયાં પક્ષને કેટલી બેઠક મળે છે તે પ્રમાણે ચૂંટણીની તારીખો જાહેર થાય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના મધ્યમાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ છે.

(7:23 pm IST)