Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમદાવાદમાં ડબલ સિઝનમાં શરદી-તાવના કેસમાં વધારો

કોરોનાની વચ્ચે શહેરમાં અન્ય બિમારીની ઉપાધી : લોકો ડરને લીધે સામાન્ય શરદી-તાવમાં પણ કોરોનાનો ટેસ્ટ કરાવા પહોંચી જાય છે, ટેસ્ટિંગ સેન્ટર્સ પર લાઈનો

અમદાવાદ, તા. : અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડક હોય છે, અને બપોરે ગરમી હોય છે. ડબલ સીઝનને કારણે શરદી-તાવ અને ગળામાં ઈન્ફેક્શનના કેસ વધી રહ્યા છે. જોકે, લોકોમાં કોરોનાનો ડર એટલો છે કે જરાક તાવ કે શરદી આવી જાય તો પણ કોઈ ચાન્સ લીધા વિના લોકો તરત કોરોનાનો ટેસ્ટ કરાવવા દોડી જાય છે. ૨૪ વર્ષનો વિશાલ એક મોલમાં કામ કરે છે. બે દિવસથી શરદી અને તાવ જેવું લાગતા તેને પોતાને કોરોના થયો હશે કે કેમ તેની શંકા ગઈ. વિશાલ તાત્કાલિક કોર્પોરેશન દ્વારા સંચાલિત કોરોના ટેસ્ટિંગ સેન્ટર પર પહોંચ્યો, ત્યાં તેને અડધો કલાક લાઈનમાં ઉભા રહેવું પડ્યું, પરંતુ આખરે તેનો રિપોર્ટ નેગેટિવ આવતા તેને પોતાને કોરોના નથી થયો તે જાણી ખાસ્સી રાહત થઈ.

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પોતાની દુકાન ચલાવતા રોનકને પણ રાત્રે તબિયત થોડી બગડી હોય તેવું લાગ્યું. બીજા દિવસે તેને શરદી સાથે ગળામાં બળતરા અને હળવો તાવ આવ્યા. રોનકે એક દિવસ તો રાહ જોઈ, પરંતુ બીજા દિવસે પણ તેની તબિયતમાં સુધારો ના થતાં તે પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા દોડી ગયો. તેને પણ લાંબી લાઈનમાં ઉભા રહેવું પડ્યું, પરંતુ તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો.

શરદી-તાવના કેસ વધતા કોરોનાના ફ્રીમાં ટેસ્ટ કરી તરત રિઝલ્ટ આપી દેતા કોર્પોરેશન સંચાલિત સેન્ટર્સ પર પણ મોટી લાઈનો જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા માત્ર અર્બન હેલ્થ સેન્ટર નહીં, પરંતુ રસ્તાઓ ઉપર પણ ઠેર-ઠેર ટેસ્ટિંગ સેન્ટર્સ શરુ કરવામાં આવ્યા છે, જેનો લાભ શહેરીજનો લઈ રહ્યા છે.

એક્સપર્ટ્સ ચેતવણી આપી ચૂક્યા છે કે પ્રદૂષણ અને ઠંડી વધતા કોરોના વધુ વકરી શકે છે. જેને ધ્યાનમાં લઈ રાજસ્થાન તેમજ દિલ્હી જેવા રાજ્યોમાં ફટાકડા વેચવા તેમજ ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જોકે, ગુજરાત સરકારે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં તાપમાન ગગડવાની સાથે હવાની ક્વોલિટી બગડી છે, અને દરમિયાનમાં કોરોનાના કેસોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસ થોડા ઘટ્યા છે. ગત સોમવારે તો રોજિંદા કેસનો આંકડો ઘટીને ૮૭૫ પર પહોંચી ગયો હતો. જોકે, મંગળવાર-ગુરુવાર વચ્ચે નવા કેસોની સંખ્યા ૯૫૦ની આસપાસ રહ્યા બાદ શુક્રવારે ફરી તે એક હજારને પાર કરી ૧૦૩૫ પર પહોંચી હતી. અમદાવાદમાં પણ હાલમાં પણ રોજના ૧૫૦ની આસપાસ નવા કેસ નોંધાઈ રહ્યા છે. સરકારની માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લામાં હાલ કુલ ૩૨૧૪ એક્ટિવ કેસ છે, જ્યારે ૩૫,૪૮૧ લોકો ક્વોરન્ટાઈન કરાયા છે. જિલ્લામાં અત્યારસુધી કુલ ૩૮,૪૨૭ દર્દી સાજા થયા છે, અને ૧૯૧૫ લોકોના મોત થયા છે.

(7:14 pm IST)